Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ટ્રેનો મોડી પડવાની ઘટના તો વારંવાર બને છે પરંતુ વડોદરા રેલવે સ્ટેશનેથી દુરન્તો અેક્સપ્રેસ અડધી કલાક વહેલી ઉપડી જતા જોવા જેવી થઇઃ જો કે ૧પમી ઓગસ્ટથી ટાઇમ બદલાયો છે તે મુસાફરોને ખબર ન હતી

વડોદરા: આમ તો આપણા દેશની ટ્રેનો હંમેશા મોડી પડવાના કારણે ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ સોમવાર સવારે વડોદરા સ્ટેશન પરથી વહેલી ઉપડી ગયેલી ટ્રેનને લીધે જોવા જેવી થઈ હતી. વડોદરા સ્ટેશનેથી ઈન્દોર-મુંબઈ દુરંત એક્સપ્રેસ પકડી અનેક મુસાફરોને મુંબઈ પહોંચવાનું હતું, પરંતુ તેઓ રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે ટ્રેન તો ક્યારનીય ઉપડી ગઈ છે.

પેસેન્જરોએ બુક કરાવેલી ટિકિટ પર આ ટ્રેન વડોદરાથી ઉપડવાનો સમય સવારના 6.03 કલાકનો હતો. જોકે, લોકો રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે ટ્રેન તો અડધો કલાક પહેલા રવાના થઈ ગઈ છે. ટિકિટ પર લખેલા ટાઈમ કરતા ટ્રેન પહેલા ઉપડી જતાં મૂંઝાયેલા મુસાફરોએ રેલવે સ્ટેશને હોબાળો મચાવ્યો હતો. તેમને ખબર નહોતી કે ટ્રેનોના ટાઈમ 15મી ઓગસ્ટથી બદલાઈ ગયા છે.

મોટાભાગના પેસેન્જરોએ ટ્રેનની ટિકિટ 15 ઓગસ્ટ પહેલા બુક કરાવી હતી. જેમાં તેનો ઉપડવાનો સમય જુનો હતો. આખરે મુસાફરો રેલવેના અધિકારી પાસે પહોંચ્યા હતા, અને મુંબઈ સુધી જવા માટે બીજી કોઈ ટ્રેનમાં વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. ઘણા લોકોને મુંબઈથી ફ્લાઈટ પકડવાની હતી, તો કેટલાક લોકોને મુંબઈમાં મહત્વના કામ પણ હતા.

આ મુસાફરોને સયાજી એક્સપ્રેસ અને અમદાવાદથી આવતી ડબલ ડેકરમાં વ્યવસ્થા તો કરી અપાઈ હતી, પરંતુ તેમની પાસે એસીની ટિકિટ હોવા છતાં તેમને પેન્ટ્રી કારમાં બેસીને મુંબઈ પહોંચવું પડ્યું હતું. ટ્રેન ચૂકી ગયેલા 52 મુસાફરોમાંથી એક પ્રિતિકા છાબરાએ જણાવ્યું હતું કે, પેસેન્જરોએ કર્ણાવતી એક્સપ્રેસમાં વ્યવસ્થા કરી આપવાની માગ કરી હતી, પરંતુ અધિકારીઓ તેના માટે તૈયાર નહોતા.

આખરે ખાસ્સી માથાકૂટ બાદ કેટલાક પેસેન્જરોને કર્ણાવતી એક્સપ્રેસમાં ચઢવા તો દેવાયા, પરંતુ તેમને પેન્ટ્રી કારમાં જગ્યા અપાઈ હતી. પેસેન્જરોએ રેલવેની ભૂલનો પોતે ભોગ બન્યા હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું, પરંતુ અધિકારીઓ એક જ વાત પર અડેલા રહ્યા હતા કે ટિકિટમાં સ્પષ્ટપણે લખેલું છે કે પ્રવાસ પહેલા ટ્રેનનો ટાઈમ ચેક કરી લેવો. આ કિસ્સામાં રેલવેની કોઈ ભૂલ નથી.

આ સમગ્ર હોબાળા વચ્ચે રસપ્રદ વાત એ હતી કે, 15મી ઓગસ્ટથી જે 200 જેટલી ટ્રેનોના ટાઈમટેબલ બદલાયા છે, તેમાં ઈન્દોર-મુંબઈ દુરન્ત એક્સપ્રેસનો સમાવેશ ચોક્કસ થાય છે. પરંતુ આ ટ્રેનનો ટાઈમ માત્ર વડોદરા માટે જ બદલાયો છે. બાકીના જે સ્ટેશનો પર ટ્રેન ઉભી રહે છે, તેમાં તેના ટાઈમિંગમાં કશોય ફેર નથી પડ્યો. એક મુસાફરના જણાવ્યા અનુસાર ટ્રેન ભલે વડોદરાથી અડધો કલાક વહેલી ઉપડી હોય, પરંતુ તેનો મુંબઈ પહોચવાનો ટાઈમ તો સવારનો 10.50નો જ છે.

(4:59 pm IST)