Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કાગળ પર રોજગારીની રેલમછેલ, ગુજરાત ફરી પ્રથમ નંબરે

પાંચ વર્ષમાં ૧૮II લાખ યુવાનોને રોજગારી અપાયાનો દાવો

ગાંધીનગર તા. ૧ : શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું છે કે, રાજયના યુવાનોને ઘર આંગણે રોજગારી પૂરી પાડવામાં ગુજરાતે તેની પરંપરા ફરી જાળવી રાખી છે. ભારત સરકારના લેબર બ્યુરો, ચંદીગઢ દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ના અહેવાલ મુજબ સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત દ્વારા વર્ષ ૨૦૦૨થી પ્રથમ ક્રમે રહ્યું છે. વર્ષ ૨૦૧૪માં ભારતના રાજયો દ્વારા ૩,૩૮,૫૦૦ યુવાનોને રોજગારી સામે ગુજરાત ૨,૯૦,૮૦૦ યુવાનોને (૮૬ ટકા) રોજગારી પૂરી પાડવામાં આવી છે. લેબર બ્યુરો, ચંદીગઢના અહેવાલ મુજબ સમગ્ર ભારતનો બેરોજગારી દર હજાર વ્યકિતએ પચાસ છે જેની સામે ગુજરાતનો બેરોજગારી દર હજાર વ્યકિતએ નવ છે, જે અન્ય રાજયોની તુલનાએ સૌથી નીચો છે.

શ્રી ઠાકોરે ઉમેર્યું કે, રાજયના યુવાનોને ઘર આંગણે જ રોજગારી પૂરી પાડવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેમજ રાજય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવી રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે જેના પરિણામે વર્ષ ૨૦૧૩થી જુલાઇ ૨૦૧૮ સુધીમાં રોજગાર કચેરી મારફતે ૧૮,૪૯,૫૬૫ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. તે પૈકી ૧૧,૪૧,૦૮૪ ઉમેદવારોને ભરતી મેળામાં રોજગારી પૂરી પડાઇ છે. રાજય સરકારની રોજગાર કચેરીઓમાં જુલાઇ-૨૦૧૮ સુધીમાં કુલ ૫,૧૧,૫૬૩ રોજગાર વાંચ્છુ ઉમેદવારો નોંધાયા છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, અનુસુચિત જાતિના ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે. જેમાં વર્ષ ૨૦૧૩ના પ્રસિદ્ઘ આંકડાઓ અનુસાર સમગ્ર ભારતમાં ૩૧,૭૦૦ અનુસુચિત જાતિના ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી. જેની સામે ગુજરાત સરકાર દ્વારા ૧૮,૮૫૦ (૫૯ ટકા) અનુસુચિત જાતિના ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી છે. એ જ રીતે અનુસુચિત જનજાતિના ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં પણ ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. તધ્અનુસાર વર્ષ ૨૦૧૩ના પ્રસિદ્ઘ આંકડા અનુસાર સમગ્ર ભારતમાં ૨૧,૦૬૦ અનુસુચિત જનજાતિના ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવેલ. જેની સામે ગુજરાત દ્વારા ૧૮,૮૪૦ (૮૯ ટકા) અનુસુચિત જનજાતિના ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી છે.

(4:21 pm IST)