Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ઝામ્બીયા- માડાગાસ્કર- મોઝામ્બિકના પ વિદેશી વિદ્યાર્થીની ધરપકડઃ પતિ-પત્નીને માર માર્યો

રાજકોટ તા.૨૧: વડોદરા- વાઘોડિયા રોડ પર આવેલ ગાયત્રી મંદિર સામે, અક્ષર રેસીડેન્સીમાં રહેતા દંપતી પર હુમલો કરી પરિણીતાની છેડતી કરનાર એક વિદ્યાર્થીની સહિત પાંચ વિદેશી વિદ્યાર્થીઓની વાઘોડિયા પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અક્ષર રેસીડેન્સીમાં કમલેશ ટેલર તેમજ વિપુલ જયંતીલાલ પંડયાના મકાનમાં પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ ભાડુઆત તરીકે રહેે છે. અક્ષર રેસીડેન્સીના ફલેટમાંજ રહેતા મૂળ ગાંધીનગર જિલ્લાનું દંપતિ તેમના પુત્ર સાથે બજારમાંથી આવીને ફલેટની નીચે ઉભા હતા ત્યારે ભાડેથી રહેતા બે વિદ્યાર્થીઓ દારૂનો નશો કરેલી હાલતમાં આવ્યા હતાં. આ બંને વિદ્યાર્થીઓએ બુમો પાડતા પાડતા ફલેટનો દાદર ચડતી વેળા પરિણીતા સાથે અથડાઇને છેડતી કરી હતી.

બંને નશેબાજ વિદેશી યુવકોની છેડતીના પગલે પરિણીતાએ બુમાબુમ કરતા નીચે ઉભેલો પતિ દોડી આવતા બંને ઉપરના માળે જતા રહયા હતા જો કે થોડા સમયમાં ફલેટમાંથી અન્ય બે વિદેશી યુવક અને યુવતી નીચે આવી ગયા હતા અને ત્રણેએ આક્રમક થઇને પરિણીતાના પતિને માર માર્યો હતો જયારે પતિને બચાવવા વચ્ચે પડેલી પરિણીતાને પણ માર માર્યો હતો. વિદેશી યુવતીએ વાળ પકડી પરિણીતાને નીચે પાડી દીધી હતી. દરમિયાન દારૂનો નશો કરેલા બંને વિદેશી યુવકોએ પણ દોડી આવી દંપતી પર હુમલો કર્યો હતો. મારામારીના પગલે બુમાબુમ થતા ફલેટના અન્ય રહીશો દોડી આવ્યા હતા અને વિદેશી વિદ્યાર્થીઓના મારથી દંપતીને બચાવ્યા હતા. આ ઘટના બાદ હુમલાખોરો તેમના ફલેટમાં જતા રહયા હતા. ઝપાઝપી દરમિયાન પરિણીતાના ગળામાં પહેરેલી સોનાની ચેન ગાયબ થઇ ગઇ હતી. આ બનાવ અંગે પરિણીતાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મોઝામ્બિકના બે, માડાગાસ્કરના બે તેમજ એક ઝાંમ્બિયાના વિદ્યાર્થીનો ધરપકડ કરી હતી.(૧.૫)

ધરપકડ કરાયેલા પાંચ વિદેશી વિદ્યાર્થીઓના નામ

(૧) ફરીરા રાઉલ લ્યુસ ડી સોસા (રહે. મોઝામ્બિક, હાલ અક્ષર રેસીડેન્સી, પવલેપુર, તા. વાઘોડિયા)

(૨) ડી સોસા અડમાર રેને (રહે. મોઝામ્બિક, હાલ અનંતા શુભમ સોસાયટી, ગાયત્રી મંદિર પાછળ, આમોદર, તા. વાઘોડિયા)

(૩) રાસોલોફોનેૈના એન્ડ્રીયન્જાફી લેન્ડ્રી (રહે. માડાગાસ્કર, હાલ શિવ કુંજ સોસાયટી, આજવા રોડ)

(૪) બર્નારસન રોજો નેન્સીઆ (રહે. માડાગાસ્કર, હાલ લીમડા તા. વાઘોડિયા)

(૫) ફીરી ચાર્લ્સ (રહે. ઝાંમ્બિયન હાલ અક્ષર વિહાર સોસાયટી, લિજન્ટ હોટલની પાછળ, તરસાલી)

(11:51 am IST)