Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની ફરીવાર ચેતવણી

મધ્ય, દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાઃ તાપી, છોટાઉદેપુર, સુરતમાં વરસાદી માહોલ અકબંધ

અમદાવાદ, તા.૨૦: દક્ષિણ ગુજરાત, મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાનો સિલસિલો જારી રહ્યો છે. સુરતના અનેક વિસ્તારો, છોટાઉદેપુર, તાપીના આસપાસના વિસ્તારોમાં ઉલ્લેખનીય વરસાદ થયો છે. બીજી બાજુ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાતા આગામી ત્રણ દિવસમાં ગુજરાત રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં પણ સારા વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી હતી. હવામાન ખાતાની આગાહીને પગલે રાજયના ખેડૂતો તેમ જ નાગરિકોમાં સારા વરસાદની આશા બંધાઇ છે અને ખુશીની લાગણી ફેલાઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૯૬ કલાક દરમ્યાન રાજયમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. હવામાન વિભાગના સૂત્રોના મતે, બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાયું છે, જે આગામી ૨૪ કલાકમાં વધુ મજબુત બનવાની શક્યતા છે. વરસાદની આ નવી સીસ્ટમને લઇ અમદાવાદમાં ૨૩ અને ૨૪ ઓગસ્ટ દરમ્યાન હળવાથી મધ્યમ અને ભારે વરસાદ પડવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું આ લો- પ્રેશર ૪૮ કલાકમાં વિદર્ભ થઈને ગુજરાત પહોંચી શકે છે. જેના કારણે આવતીકાલથી રાજ્યભરમાં વરસાદનું જોર વધી શકે છે અને તા.૨૩મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા સહિતના પંથકોમાં પણ ભારે વરસાદ પડવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત પ્રદેશ ઉપરસાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે જેના લીધે ભારે વરસાદ થઇ શકે છે. બીજી બાજુ આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝપટા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જારી રહેવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સૂરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ અને જુનાગઢમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે જેથી આ તમામ વિસ્તારોમાં સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.

(10:01 pm IST)