Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

બાઇકચોરી ગુનાના આરોપીનું સાબરતી જેલમાં મોત નિપજ્યું

કાચા કામના કેદીના મોત બાદ જેલ સંકુલમાં ચકચાર : કાચા કામના કેદીના જેલમાં મોતને લઇ અનેક તર્ક-વિતર્કો

અમદાવાદ, તા.૨૦ : ત્રણ દિવસ પહેલાં બાઇક ચોરીના આરોપસર પકડાયેલા આરોપીનું સાબરમતી સેન્ટ્રલ જેલમાં શંકાસ્પદ મોત થતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. તો, સમગ્ર જેલ સંકુલમાં કેદીઓમાં પણ ભારે ચકચાર અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, કાચા કામના કેદીના જેલમાં અચાનક મોતને લઇ મૃતકના પરિવારજનોમાં પણ ભારે નારાજગીની લાગણી ફેલાઇ છે. બેરેકમાં કાચા કામનો કેદી એકાએક બેભાન થઇ જતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. કેદીના શંકાસ્પદ મોત મામલે જેલ સત્તાધીશો તેમજ શહેર પોલીસ ઢાંકપિછાડો કરી રહ્યા હોવાનો પરિવાજનોએ આક્ષેપ લગાવ્યો હતો. આ અંગ પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ ગરીબ આવાસ યોજનામાં પત્ની અને બે બાળકો સાથે ૪૫ વર્ષિય મોતીલાલ ઘનજીભાઇ નાગર રહે છે અને ચોળાફળી વેચીને પોતાનું ગુજરાન ચાલાવે છે. થોડાક દિવસ પહેલાં પોલીસે મોતીલાલ નાગરની બાઇક ચોરીના આરોપસર ઘરપકડ કરી હતી. મોતીલાલ છેલ્લા દસેક દિવસથી અલગ અલગ પોલીસની કસ્ટડીમાં હતા. પોલીસ તેમને પૂછપરછ માટે ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી લઇ જતી હતી. બે દિવસ પહેલાં મોતીલાલના રિમાન્ડ પૂરા થતાં તેમને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. સાબરમતી સેન્ટ્રલ જેલની કાચા કામના કેદીઓની બેરેકમાં મોતીલાલ બેઠા હતા ત્યારે તેઓ અચાનક બેભાન થઇ ગયા હતા, જ્યાં તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. હોસ્પિટલ પહોંચે તે પહેલાં મોતીલાલનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રાણીપ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મોતીલાલે ૨૫ દિવસ પહેલાં સેકન્ડમાં બાઇક ખરીદ્યું હતું. જોકે આ બાઇક ચોરીનું હોવાથી પોલીસે તેમની ચોર સમજીને ધરપકડ કરી હતી. બાઇક ચોરીમાં તેમની વિરુદ્ધમાં ગુનો દાખલ થતાં શહેરની કાગડાપીઠ, ઇસનપુર પોલીસ સહિતના અનેક પોલીસ સ્ટેશનમાં તેમને પૂછપરછ માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે તેમની ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ પણ કરી હતી. પોલીસે મોતીલાલને બાઇક ચોરી કરી હોવાની કબુલાત કરવા માટે ટોર્ચર કરતા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોતીલાલનાં મોત મામલે અનેક સવાલ ઊભા થયા છે. બે દિવસ પહેલાં મોતીલાલના રિમાન્ડ પૂરા થતાં તેમને સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા. સમગ્ર મામલે જેલ સત્તાધીશો અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઢાંકપિછોડા કરી રહ્યા હોય તેવો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે મોતીલાલનું મોત કુદરતી થયું છે કે પછી પોલીસના ટોર્ચરથી થયું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વધુ સ્પષ્ટ બનશે.

(8:23 pm IST)