Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

હાર્દિક પટેલઅે અમદાવાદમાં ઉપવાસ માટે મંજૂરી ન મળતા હવે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ઉભી કરવા મંજૂરી માંગીઃ ૨પમીઅે મારા ઘરે જ ઉપવાસ શરૂ કરીશઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ 25મી ઓગસ્ટના રોજ ઉપવાસ માટે મેદાનની મંજૂરીને લઈને હાર્દિક પટેલ હવાતિયા મારી રહ્યો હોય તેવા ઘાટ ઘડાયા છે. આ પહેલા નિકોલ ખાતે પોલીસે મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. બાદમાં હાર્દિકે જાહેરાત કરી હતી કે હવે તે પોતાના ઘરે જ ઉપવાસ કરશે. હવે હાર્દિકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ કરવા માટેની મંજૂરી માંગી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કલેક્ટર જો ઉપવાસની મંજૂરી નહીં આપે તો રાજ્યપાલને મંજૂરી માટે રજુઆત કરવામાં આવશે.

 

હાર્દિકે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ માટેની મંજૂરી માંગતી એક અરજી મામલતદારને કરી છે. આ મામલે ગાંધીનગર જિલ્લાના પાસ કન્વિનર ઉત્પલ પટેલે હાર્દિક વતી ગાંધીનગરના મામલતદારને એક અરજી કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે તા. 25મી ઓગસ્ટના રોજ સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6, ગાંધીનગર ખાતે માઈક અને મંડપ સાથે ઉપવાસની મંજૂરી આપવામાં આવે.

 

મારા ઘરે જ ઉપવાસ કરીશ, આ માટે મંજૂરીની જરૂર નથીઃ હાર્દિક
પાસના કન્વિનર હાર્દિક પટેલે 25મી ઓગસ્ટના રોજ પોતાના ઘરે જ આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. આ અંગે સોમવારે વાતચીત કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, નિકોલ કે અન્ય જગ્યાએ ઉપવાસની મંજૂરી નહીં મળતા મારા ઘરે જ ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે. હવે જો આ કાર્યક્રમમાં પણ સરકાર કે પોલીસ કોઈ દરમિયાનગીરી કરશે કે મને આવું કરતા અટકાવશે તો એવું સાબિત થશે કે ગુજરાતમાં લોકશાહી જેવું કંઈ છે જ નહીં.
આંદોલનને દબાવવા સરકારનો નુસખો
હાર્દિકે જણાવ્યું હતું કે રવિવારે જે થયું તે હાઇવોલ્ટેજ ડ્રામા નહીં પરંતુ પાટીદાર આંદોલનને દબાવવા માટે પોલીસ અને ભારતીય જનતા પાર્ટીનો નુસખો છે. ઘરથી બહાર નીકળતાની સાથે જ અમારી ધરપકડ કરી લેવામાં આવે છે જે બિલકુલ ખોટું છે. અમારી ધરપકડ બાદ સુરતમાં જે તોડફોડ કરવામાં આવી હતી તે કૃત્યને પણ હું વખોડું છું. હું આ હિંસાને સમર્થન નથી આપતો. સરકારી મિલકતને કોઈ નુકસાન ન થાય તે જોવાની આપણી જવાબદારી છે."
ઉપવાસ ચાલુ જ રહેશે
"25મી ઓગસ્ટના રોજ ઉપવાસનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ જ રહેશે. બહાર મંજૂરી ન મળે તો હું મારા ઘરે જ શાંતિપૂર્ણ રીતે ઉપવાસ કરીશ. અમે ઘરે ઉપવાસ કરવા અંગે કોઈ જ મંજૂરી લીધી નથી, કારણ કે મારું ઘર એ મારી ખાનગી સંપત્તિ છે. અહીં ઉપવાસ પર બેસવા માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. હું મારા ઘરે ઉપવાસ કરી રહ્યો છું કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ નહીં."

(5:59 pm IST)