Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

પ્રધાન ઈશ્વર પરમાર પાસે દોઢ કરોડ માંગનારી મહિલા જબ્બે

પ્રધાનને બદનામ કરવાની ધમકી પણ આપી : મહિલાએ ચિઠ્ઠી મારફતે પરમારને ધમકી આપતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મહિલાની ધરપકડ કરી

અમદાવાદ, તા.૨૧ : રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારને જાનથી મારી નાખવાની ધમકીભરી ચિઠ્ઠી મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મહિલાએ મંત્રી ઇશ્વર પરમાર પાસેથી રૂ.દોઢ કરોડની ખંડણી માંગી હતી અને જો આ રકમ નહી અપાય તો તેમને બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે આખરે બારડોલી પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ ગણતરીના કલાકોમાં ધમકી આપનાર મહિલાની ધરપકડ કરી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારને બે ધમકી ભરી ચિઠ્ઠી મળી હતી. ચિઠ્ઠીમાં એક મહિલા દ્વારા મંત્રીને રૂપિયા દોઢ કરોડ આપો નહી તો તમને બદનામ કરીશ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. અજાણી મહિલાએ એક ચિઠ્ઠી રાહદારી દ્વારા મંત્રીની ઓફિસ સુધી પહોંચાડી હતી. તો મહિલાએ ધમકીભરી બીજી ચિઠ્ઠી મંત્રીના પરિચિત મિત્રના ત્યાં મોકલાવી હતી. ધમકી ભરી ચિઠ્ઠી બાદ અજાણી મહિલા વિરુદ્ધ બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં લઇને મહિલાની તપાસ શરૂ કરી હતી અને ભારે અસરકારક તપાસ બાદ ગણતરીના કલાકોમાં જ આરોપી મહિલાની ધરપકડ કરી લીધી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અને સરકારી વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(9:22 pm IST)