Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

૧૧ જિલ્લામાં પીઆઈ કક્ષાના ૧૬ નવા પોલીસ સ્ટેશન બનશે

કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવા મહત્વનો નિર્ણય : હવે આઠ જિલ્લાના આઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષામાં અપગ્રેડ કરાશે

અમદાવાદ,તા.૨૧ : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્દઢ બને તે હેતુથી વિવિધ જિલ્લાઓમાં જરૂરીયાત મુજબ નવા પોલીસ સ્ટેશન, નવી આઉટ પોસ્ટ ચોકીઓ શરૂ કરવી અને હાલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને પોલીસ  ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવાની કામગીરી કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યના વિવિધ ૧૧ જિલ્લાઓમાં પોલીસ  ઇન્સ્પેક્ટર કક્ષાના ૧૬ નવા પોલીસ સ્ટેશન, ૦૮ જિલ્લાના ૦૮ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને પોલીસ  ઇન્સ્પેક્ટર કક્ષામાં અપગ્રેડ કરવા તેમજ ૦૭ જિલ્લામાં ૦૭ નવી આઉટ પોસ્ટ/ પોલીસ ચોકી રાજય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી સમયમાં બીજા તબક્કામાં મહેકમની ઉપલબ્ધતાના આધારે વધુ ૧૦ જિલ્લાના ૧૦ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને પોલીસ  ઇન્સ્પેક્ટર કક્ષામાં અપગ્રેડ કરાશે. રાજય ગૃહ મંત્રીએ આ નવીન મંજૂરીઓના પરિણામે રાજ્યના કાયદો અને વ્યવસ્થામાં આવનાર બદલાવ અંગે વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ૧૯૬૦ના યાર્ડસ્ટીક અમલમાં આવ્યા બાદ આ મુજબ પોલીસનું મહેકમ હાલમાં હોવું જોઇએ. વર્ષ-૧૯૬૦ બાદ રાજયની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યની પ્રગતિની સાથે તમામ ભૌગોલિક વિસ્તારોનો પણ વિકાસ થયો છે. ઔધોગિક અને રોજગાર ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર છે. આધુનિક ટેકનોલોજીની સાથે આજે સમગ્ર વિશ્વમાં સામાન્ય ગુનાઓ તેમજ સાઇબર ક્રાઇમના પ્રકાર પણ બદલાયા છે. ગુજરાત મોડલ સ્ટેટ પ્રસ્થાપિત થયું હોવાના પરિણામે આજીવિકા માટે મોટી સંખ્યામાં અન્ય રાજ્યોમાંથી લોકો ગુજરાતમાં આવે છે. રાષ્ટ્રીયકૃત બેંકો, વીવીઆઇપી  સિકયુરીટી,  સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા વૈશ્વિક કક્ષાના પ્રવાસન- યાત્રાધામોની સાથેવિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સલામતી અને સુરક્ષા વ્યવસ્થાની જરૂરીયાતો પણ વધવા પામી છે. આ જરૂરીયાતો ધ્યાને રાખીને ગુજરાત પોલીસના આધુનિકરણની સાથે તેના મહેકમ અને પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવાની તાતી જરૂરીયાત ઉભી થઇ પોલીસ દળમાં આધુનિક વાહનો, વાયરલેસ, ટેકનોલોજીની ઉત્તમ સુવિધા આજના સમયની માંગ છે.  જેના ભાગરૂપે આ નવા પોલીસ સ્ટેશન, નવી આઉટ પોસ્ટ પોલીસ ચોકી અને હાલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર થી પોલીસ  ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આના પરિણામે હવે રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબુત બનાવીને સંભવિત ગુનાઓનેઅટકાવી શકાશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. નિર્ણાયક મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઇ રહે તે માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ કટ્ટીબધ્ધ છે તેમ જણાવતા રાજય ગૃહ મંત્રી જાડેજાએ કહ્યું હતું કે, અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર અને કેરાળા જીઆઇડીસી, કચ્છ પશ્વિમ,ભૂજના મુન્દ્રા તાલુકાના પ્રાગપર, માધાપરઅને માંડવી કોડાયા, છોટા ઉદ્દેપુરના ઝોઝ (બારીયા તરફ આવેલા), જુનાગઢના સાસણ ગીર, દાહોદના બીડી વીઝન, પાટણના સરસ્વતી, ભાવનગરના મહુવા ગ્રામ્ય, મહિસાગરના બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન અને લુણાવાડ પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્યમાં  બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન, સુરત શહેરમાં અડાજણ ખાતે નવું પાલ પોલીસ સ્ટેશન અને ચોક બજાર નવું સીંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનતેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલાના ધજાળા ગામે એમ કુલ-૧૧ જિલ્લાના ૧૬ નવા પોલીસ  ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના બાવળા ટાઉન, અમરેલીના બાબરા, આણંદના ખંભાત રૂરલ, કચ્છ પશ્વિમ,ભૂજના નખત્રાણા, ખેડા-નડિયાદના મહેમદાવાદ, ગાંધીનગરના માણસા, વડોદરા રૂરલના વાઘોડીયા પોલીસ સ્ટેશન તેમજ સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશન એમ કુલ હાલના ૦૮ જિલ્લામાં ૦૮ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને પોલીસ  ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરાશે તેમ રાજય ગૃહ મંત્રીએ કહ્યું હતું. અમદાવાદ ગ્રામ્યમાં હાસલપુર, આણંદમાં કરમસદ, ગીર સોમનાથમાં પ્રાચી, તાપી-વ્યારામાં ખરેડી, બોટાદમાં સારંગપુર, રાજકોટ ગ્રામ્યમાં ખોડલધામઅને સાબરકાંઠા જિલ્લામાં સિવિલ હોસ્પીટલ ચોકી આમ કુલ ૦૭ જિલ્લાઓમાં ૦૭ નવી આઉટ પોસ્ટ/ ચોકી મંજૂર કરવામાં આવી છે, તેમ ગૃહ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું. રાજયના વિવિધ જિલ્લાઓ-તાલુકાઓમાં આ નવા પોલીસ સ્ટેશન, નવીન આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓ શરૂ થવાથી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષામાંથી પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવાના પરિણામે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબુત થશે તેમ રાજય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ હતું.

(7:47 pm IST)
  • જૂનાગઢ જિલ્લા પંચાયતની વડાલ પેટા ચૂંટણીમાં ૪૨ ટકા મતદાન તાલુકા પંચાયતની સુખપુર બેઠકમાં 42 ટકા અને વિસાવદરના મોણીયા ની બેઠકમાં ૫૪ ટકા મતદાન access_time 5:52 pm IST

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડનવીસ ૧લી ઓગસ્ટ થી અમરાવતી જિલ્લામાંથી મહા જનાદેશ યાત્રા શરૂ કરશે. access_time 11:43 pm IST

  • સૌરાષ્ટ્રના જુનાગઢમાં સવારે ધોધમાર વરસાદ ધોરાજી, ઉપલેટા, ગોંડલ તાલુકાના ગામોમાં સવારથી વરસાદઃ ખેડૂતોમાં રાહતની લાગણીઃ લોકો ગરવા ગીરનારની લીલોતરીનો નજારો જોવા ઉમટી પડયા access_time 1:10 pm IST