Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

સીટીએમ ચાર રસ્તા નજીક આગની ઘટનાથી ભાગદોડ

ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં ભાગદોડ મચી : ભારે જહેમત બાદ ભીષણ આગ પર કાબૂ : ૧૦૦થી વધુ સોસાયટીમાં વીજપુરવઠો ખોરવાતા લોકો હેરાન-પરેશાન

અમદાવાદ, તા.૨૦ : શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે આવેલા રાજશ્રી કોમ્પલેક્સની નીચે ઈલેક્ટ્રિક ડીપીમાં આગ લાગવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. આગની જવાળા અને ભયંકર ધુમાડા નીકળતા જ કોમ્પલેક્સમાં ચાલતા અનેક ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી અને એક તબક્કે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, ફાયરબ્રિગેડના જવાનોએ આગની ઘટનાની જાણ થતાં સમયસર ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત આગને કાબૂમાં લઇ લીધી હતી અને ડીપીમાં આગ લાગતાં તેના મારફતે વીજપુરવઠો પામતી આ સમગ્ર વિસ્તારની ૧૦૦થી વધુ સોસાયટીમાં વીજપુરવઠો ખોરવાતાં સ્થાનિક રહીશો આટલી ગરમીમાં ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે આવેલા રાજશ્રી કોમ્પલેક્સની નીચે આજે કોઇક કારણસર ઈલેક્ટ્રીક ડીપીમાં આગ લાગતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. કોમ્પલેક્સમાં આગ લાગતા આગની જવાળા અને ભયંકર ધુમાડા દેખાતાં કોમ્પલેક્સમાં ચાલતા વિવિધ ટયુશન કલાસીસના સંચાલકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટની લાગણી સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓની નાસભાગને લઇ સ્થાનિક લોકો પણ દોડતા થયા હતા. આગની આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ આગ બુઝાવી દીધી હતી. આગને લઇ ઘટનાસ્થળે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોને હટાવવા માટે રામોલ પોલીસનો કાફલો બોલાવાયો હતો. તો, બીજીબાજુ, ડીપીમાં આગ લાગી હોવાના કારણે ટોરેન્ટ પાવરનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ ડીપીમાં આગ લાગવાના કારણે આ વિસ્તારની ૧૦૦થી વધુ સોસાયટી, દુકાન અને ચાલીઓમાં વીજપુરવઠો ખોરવાતા લોકો હેરાન-પરેશાન થયા હતા. ફાયરબ્રિગેડની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

(9:08 pm IST)