Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

કાપોદ્રામાં હીરાના કારખાનામાં હીરાના પેકેટમાં બદલો મારી 19.20 લાખના હીરાની છેતરપિંડી કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

કાપોદ્રા:માં હીરાના કારખાનામાં કામ કરતા રાજસ્થાની મેનેજરે રત્નકલાકારોએ જમા કરાવેલા હીરાના પેકેટમાં બદલો મારી સાડા ત્રણ માસ દરમિયાન  રૃ. ૧૯.૨૦ લાખના હીરા મેળવી છેતરપિંડી કરી હતી અને ફરાર થઇ ગયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની  અને સુરતમાં કાપોદ્રા મમતાપાર્ક સોસાયટી વિભાગ-૧ ઘર નં. ૧૨૦માં રહેતા દિપકભાઇ વાલજીભાઇ ખુંટ (લેઉવા પટેલ) કાપોદ્રા હીરાબાગ હરીનંદન ઇન્ડસ્ટ્રીયલમાં મિલીનીયમ ડાયમંડના નામે હીરાનું કારખાનું ધરાવે છે. તેમના કારખાનામાં મૂળ રાજસ્થાનનો વતની અને સુરતમાં પૂણા ગામ અર્ચના સ્કૂલ પાસે સીતાનગરમાં રહેતો ૨૯ વર્ષીય ઓમપ્રકાશ બંસીલાલ જાટ મેનેજર તરીકે કામ કરતો હતો. કારખાનેદાર જે હીરાના પેકેટ પોલીશ કરવા આપે તે ઓમપ્રકાશ રત્નકલાકારોને આપી કામ પત્યા બાદ રત્નકલાકારો પાસેથી પરત મેળવી કારખાનેદારને આપતો હતો.
જો કે, ગત ૧ માર્ચથી ૧૪ જૂન દરમિયાન ઓમપ્રકાશે રત્નકલાકારો હીરા પોલીશ કરી પરત કરે ત્યારે હીરાના પેકેટ ઉપર લખેલ કલર અને વજન પૈકી કલર ઉપર સફેદો મારી છેકછાક કરી હીરાનો બદલો કરી હલકી ગુણવત્તાના હીરા મૂક્યા હતા. આ રીતે તેણે રૃ. ૧૯.૨૦ લાખના હીરા બદલો મારી મેળવ્યા હતા અને ભાગી છુટયો હતો. ઓમપ્રકાશ ભાગી છુટયા બાદ કારખાનેદારને હકીકતની જાણ થઇ હતી.

(5:26 pm IST)