Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ટ્રાન્સપોર્ટ હડતાલ : સુરતમાં રોજનો ૧ હજાર કરોડનો વેપાર અટકયો

હજીરાનો ૫૦૦ કરોડ અને ટેક્ષટાઇલનો ૧૦૦ કરોડનો વેપાર ઠપ્પ : આજથી સુરતમાં ફિનિશ્ડ ફેબ્રિકલની હેરાફેર ઘટી ગઇઃ ૧ હજાર ટેમ્પોના પૈડા થંભી ગયા : દુકાનો સુધી માલ જ ન પહોંચ્યો : હજારો મજૂરોની રોજીરોટી ઉપર ગંભીર અસરઃ હાઇવે ઉપરના પેટ્રોલ પંપોમાં પણ બેકારી : ડીઝલના વેચાણમાં એક દિ'માં ૨૫ ટકાનો ઘટાડો

સુરત તા. ૨૧ : દેશભરના ટ્રાન્સ્પોટર્સ દ્વારા અચોક્કસ મુદતની હડતાળનો પ્રારંભ કરાયો છે, તેમાં દક્ષિણ ગુજરાતના ટ્રાન્સ્પોટર્સ પણ જોડાયા હોઈ ૫૦૦૦થી વધુ ટ્રકોના પૈંડાં થંભી ગયા છે. હડતાળના લીધે ટેકસ્ટાઈલ, હજીરાની કંપનીઓ સહિત અનેક ઈન્ડસ્ટ્રીના માલની હેરફેર અટકી પડી છે, જેના લીધે કરોડોનો વેપાર ખોરવાયો છે. હજીરાની ઈન્ડસ્ટ્રીનો દૈનિક ૫૦૦ કરોડ અને ટેકસ્ટાઈલનો ૧૦૦ કરોડ સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીનો ૧૦૦૦ કરોડથી વધુનો વેપાર અટવાઈ પડયો છે. પરંતુ ટ્રાન્સ્પોટર્સની સમસ્યાનો વેળાસર ઉકેલ નહીં આવે તો ઉદ્યોગો તકલીફમાં મુકાય તેવી શકયતા છે.

કાપડ માર્કેટમાં ફિનિશ્ડ  ફેબ્રિકસની હેરફેર ઘટશે

ટ્રાન્સપોટર્સની હડતાળની અસર કાપડ ઉદ્યોગ પર દેખાવા લાગી છે. ફિનિશ્ડ ફેબ્રિકસની પરપ્રાંતમાં ડિલીવરી બંધ થતાં કાપડના વેપારીઓ દ્વારા મિલોમાંથી માલ ઉપાડવાનું પણ બંધ કરી દેવાનું મન બનાવી લેવાયું છે. સુરત ટેકસટાઈલ માર્કેટના વેપારીઓ પાસે ફિનિશ્ડ ફેબ્રિકસ મૂકવાની જગ્યા નહીં હોય અંદાજે ૭૦ ટકા જેટલાં વેપારીઓ દ્વારા મિલમાંથી માલ નહીં ઉપાડવા ટેમ્પોચાલકોને સૂચના આપી દેવાઈ છે. ટેમ્પો એસો.ના અગ્રણી સંજય પાટીલે કહ્યું કે, કાપડ માર્કેટના ૭૦ ટકા નાના વેપારીઓ પાસે દુકાનોમાં માલ મૂકવાની જગ્યા નહીં હોય તેઓ દ્વારા માલ લાવવાની મનાઈ ફરમાવી દેવાઈ છે. આજથી મિલ અને દુકાનો વચ્ચે દોડતા ટેમ્પો અટકી જશે. મિલમાંથી ફિનિશ્ડ ફેબ્રિકસ કાપડની દુકાનો સુધી પહોંચાડવાની કામગીરી સાથે ૧૦૦૦થી વધુ ટેમ્પો છે. હડતાળમાં જોડાયા નહીં હોવા છતાં આજથી તમામ ટેમ્પોના પૈંડાં થંભી જશે. આ સાથે જ ૫૦૦૦થી વધુ ટેમ્પોચાલકો, મજદૂરો સામે રોજગારીનો પ્રશ્ન ઉભો થશે. ટ્રાન્સ્પોટર્સની હડતાળથી માત્ર ઉદ્યોગોને જ આર્થિક નુકસાન પહોંચતું નથી પરંતુ મજદૂરી કરી રોજની આવક રળતા હજારો મજદૂરો સામે પણ સંકટ ઊભું થતું હોય છે, ત્યારે ટ્રાન્સ્પોટર્સની હડતાળ સમેટાઈ તેની પર ઉદ્યોગ જગત મીટ માંડીને બેઠું છે.

સુરતની કાપડ માર્કેટોમાંથી રોજની ૧૨૫થી ૧૫૦ ટ્રક ફિનિશ્ડ ફેબ્રિકસ લઈ પરપ્રાંત રવાના થતી હોય છે. એક ટ્રકમાં ૬૦ લાખનો માલ હોય તે ગણતરી મુજબ અંદાજિત ૧૦૦ કરોડનો વેપાર અટકી પડયો છે.

હજીરામાંથી રોજની ૨૦૦૦ ટ્રકો કંપનીઓ દ્વારા ઉત્પાદિત માલની હેરફેર કરતી હોય છે. સુરત-હજીરા ટ્રાન્સ્પોર્ટ વેલફેર એસોસિયેશનના રમેશ ચૌધરીના જણાવ્યા અનુસાર હડતાળના લીધે હજીરાના ઉદ્યોગોનો ૫૦૦ કરોડનો વેપાર અટકી પડયો છે.

સાઉથ ગુજરાત ડીઝલ-પેટ્રોલ એસો.ના પ્રમુખ સુરેશ પટેલના જણાવ્યા અનુસાર હડતાળના પહેલાં દિવસે હાઈવે પર વાહનોની અવરજવર ઘટી છે. જેના પગલે પેટ્રોલ-ડીઝલના વેચાણમાં પણ ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

(11:54 am IST)