Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

સુરતમાં ટુ-વહીલર ચલાવતા સગીર બાળકોના વાહનો જપ્ત: માબાપ વિરુદ્ધ પણ ગુનો:પોલીસ કમિશ્નર સતીશ વર્માની પ્રશંશનીય કામગીરી

સુરત: 16 વર્ષથી નીચેની ઉંમરના તથા ટુ-વહીલર ચલાવતા સગીર બાળકોના વાહનો જપ્ત કરવાની કામગીરી પોલીસ કમિશ્નર સતીશ શર્માના માર્ગદર્શન હેઠળ પૂર જોશમાં શરુ થઇ ગઈ છે.જે અંતર્ગત 71 જેટલા વાહનો જપ્ત કરાયા છે.તથા 15 વાલીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે.

ટ્રાફિક વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે, મોટરવ્હીકલ્સ એક્ટની જોગવાઈ પ્રમાણે, જે વ્યક્તિના નામ ઉપર વાહન રજિસ્ટર હોય તે વ્યક્તિ કોઈ સગીર ઉંમરના બાળકને વાહન ચલાવવા ન આપી શકે. પોલીસે સ્કૂલ અને વાલીઓને નોટિફિકેશન મોકલ્યું હતું જેમાં સગીર વિદ્યાર્થીઓને ટુ-વ્હીલર ચલાવવા અંગે યોગ્ય માર્ગદર્શન આપવાનું જણાવાયું હતું. આ નોટિફિકેશન આપ્યા બાદ જ પોલીસે કાર્યવાહી કરી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, “વાલીઓએ નોટિફિકેશનને ગંભીરતાથી લીધું અને બાળકોને માહિતગાર કર્યા, છતાં પણ પગલાં લેવા જરૂરી હતા. એવા વાલીઓ સામે જ પગલાં લેવામાં આવ્યા છે, જેમના સગીર બાળકો શહેરમાં ટુ-વ્હીલર ચલાવતાં પકડાયા છે. પોલીસ સગીર વાહનચાલકો પર નજર રાખશે અને તેમના વાલીઓ સામે પગલાં લેવાની કામગીરી ચાલુ રાખશે.”

પોલીસ કમિશ્નર સતીશ શર્માએ સમાચાર સૂત્રને   જણાવ્યું કે, “યુવાનોની જિંદગી કિમતી છે અને તેને બચાવવી જરૂરી છે. ઉપરાંત સગીર છોકરા-છોકરીઓ અકસ્માત સર્જી શકે છે, જેના કારણે તેમને કે અન્ય વાહનચાલકને ક્યારેક ગંભીર ઈજા થઈ શકે છે. કેટલીક શાળાઓએ ટુ-વ્હીલર લઈને શાળાએ આવતા સગીર વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો નિયમ બનાવ્યો છે. સગીર વાહનચાલકો પર પોલીસે કરેલી કાર્યવાહી શહેરમાં ટ્રાફિકની સ્થિતિ સુવ્યવસ્થિત કરવા માટે છે.”

(11:28 am IST)