Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

વડોદરાની જેલમાં મહેમાન: 4 ફૂટ લાંબો મગર ઘુસી ગયો:રેસ્ક્યુ ટીમનું સફળ ઓપરેશન

વડોદરા: ગુરુવારે રાત્રે વડોદરાની જેલમાં 4 ફૂટ લમ્બો મગર ઘૂસી જતા દોડાદોડી થઇ ગઈ હતી.બેરેકથી 25 ફૂટ જેટલા અંતરથી જ દૂર તથા સ્ટાફ ક્વાર્ટર પાસે આરામ કરી રહેલા મગર ઉપર રાત્રે 1 વાગ્યે કોઈનું ધ્યાન જતા તુરત જ રેસ્ક્યુ ટીમને બોલાવાઇ હતી. વન વિભાગની રેસ્ક્યૂ ટીમના સભ્ય જિજ્ઞેશ પરમારે કહ્યું કે, “અમે રાત્રે 1.30 વાગ્યે વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યા અને જોયું તો મગર જેલના બેરેકના ગેટથી 25 ફૂટ જ દૂર હતો. મગરને પડકવાનું કામ પડકારરૂપ હતું કારણકે તે જ્યાં આરામ કરતો હતો તે જગ્યા રેસિડેન્શિયલ ક્વાટર્સથી નજીક હતી. અને મગર ભાગી જાય તો મુશ્કેલી સર્જાય તેમ હતું.” 30 મિનિટની મહેનત બાદ રેસ્ક્યૂ ટીમે મગરને પકડ્યો અને સુરક્ષિત રીતે પાણીમાં છોડી દીધો.

મગર અંદર કેવી રીતે પહોંચ્યો તેના સવાલમાં રેસ્ક્યૂ ટીમના જિજ્ઞેશ પરમારે જણાવ્યું કે, “મગર જેલની વરસાતી પાણીની ગટર મારફતે અંદર આવ્યો હશે, આ ગટરલાઈનનું આઉટલેટ નદીમાં છે. વરસાતી પાણી જેલમાંથી બહાર નીકળી જાય તે માટે આ પ્રકારની ગટરલાઈનની વ્યવસ્થા કરવામાં આવે છે.” જેલની પાછળ આવેલી નદીના કિનારે મોટી સંખ્યામાં મગર જોવા મળે છે. રાત્રે એટલે જ લોકો આ વિસ્તારમાં આવવાનું ટાળે છે, જેથી કરીને આ સરીસૃપો છૂટથી ત્યાં ફરી શકે.

વિશ્વામિત્રી નદી 200 જેટલા મગરનું આશ્રયસ્થાન છે. જેથી ઘણા મગર ફતેહગંજ અને સયાજીગંજ વચ્ચે જોવા મળે છે. વન વિભાગે 6 ફૂટના અન્ય એક મગરનું પણ રેસ્ક્યૂ કર્યું. આ મગર નદીમાંથી નીકળીને કારેલીબાગ વિસ્તારમાં આવેલા દેવદર્શન એપાર્ટમેન્ટમાં પહોંચી ગયો હતો.

(10:47 am IST)