Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

કોરોનાઍ સુરતના હીરાના ધંધાર્થીઓની વેપારની પેટર્ન બદલી નાખીઃ રફ ડાયમંડની ખરીદી ઓનલાઇન અને સોશ્યલ મીડિયા મારફત મોકલાય છે ફોટા-વીડિયો

સુરત: કોરોનાના કારણે વર્ષોથી ચાલતા આવતા હીરા ઉદ્યોગે પોતાના વેપારની પેટર્ન બદલી નાંખી છે. લાખો કરોડો રૂપિયાના રફ ડાયમંડની ખરીદી હવે સુરતના વેપારીઓ ઓનલાઇન કરી રહ્યા છે. સુરતના હીરાના વેપારીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો કરોડો રૂપિયાની ડીલ કરી રહ્યા છે. વૉટ્સએપ પર ફોટો અને વીડિયો જોયા બાદ સુરતના વેપારીઓ વિદેશથી રફ ડાયમંડ ખરીદી રહ્યા છે.

વિદેશો સુધી જવાની રાહ જોવી પડતી નથી

કોરોનાકાળમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવરજવર નહિવત છે. પરંતુ, તેની અસર વેપાર પર ન થાય આ માટે સુરતના વેપારીઓ અને અન્ય દેશોથી રફ ડાયમંડ માટે ઓનલાઇન ટ્રેડિંગ કરી રહ્યા છે. સુરતના હીરાના વેપારીઓને રફ ડાયમંડ ખરીદવા માટે રશિયા, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા કે આફ્રિકા સુધી જવાની રાહ જોવી પડતી નથી. આથી, ઓનલાઇન ટ્રેડિંગ શરૂ કરી દીધું છે. આ જ કારણ છે કે તેઓ યુરોપિયન દેશોમાં અચાનક જ જે રીતે પોલીશ ડાયમંડની ડિમાન્ડ વધી છે તેને પૂર્ણ કરી રહ્યા છે.

ઓનલાઈન ખરીદી પર વધારાનો 2 ટકા ટેક્સ

રફ ડાયમંડની ખરીદી કરવા માટે સુરતના વેપારીઓ રશિયા, બેલ્જીયમ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા જઈને ડીલ કરતા હતા. પરંતુ, કોરોનાના કારણે છેલ્લા 1.5 વર્ષથી તેઓ આ દેશોમાં જઈ શકતા નથી. આથી, સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ ડાયમંડની તમામ વિગતો અને તસવીરો મંગાવી લેતા હોય છે અને તેના આધારે તેઓ લાખો અને કરોડો રૂપિયાના હીરાની ખરીદી કરી રહ્યા છે. કોરોના મહામારીમાં ટ્રાવેલિંગ બંધ થતા હીરા ઉદ્યોગમાં ઓનલાઇન ટ્રેડિંગ શરૂ થયું છે.

હાલમાં મોટાભાગના વેપારીઓ અને ઉદ્યોગકારો વીડિયો કોલિંગથી એન્ટોપ, બેલ્જિયમ, દુબઈ અને હોંગકોંગના વેપારીઓ સાથે સંપર્કમાં રહી રફ હીરાની ખરીદી કરી રહ્યા છે. વિદેશ જઈ શકાતું ન હોવાથી ઓનલાઇન ટ્રેડિંગનો વિકલ્પ વેપારીઓએ અપનાવી લીધો છે. ભારત સરકારના કાયદા અનુસાર વિદેશથી કોઈ પણ ચીજ-વસ્તુની ઓનલાઈન ખરીદી પર વધારાનો 2 ટકા ટેક્સ ભરવાનો રહે છે. જે હટાવવા રજૂઆત પણ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયાના મારફતે મોકલવામાં આવે છે હીરા

એન્ટોપમાં છેલ્લા 35 વર્ષથી ડાયમંડ સુરતના વેપારીઓને વેચાણ કરતા વેપારી ઘનશ્યામ તેજાણીએ જણાવ્યું હતું કે, હું 1988 એનટોપમાં રહું છું અને રફ ડાયમંડના ખરીદ અને વેચાણના વેપાર સાથે સંકળાયેલો છું. ભારતથી રફ હીરા ખરીદવા માટે અનેક વેપારીઓ અમારે ત્યાં આવે છે. કોરોના પહેલા વેપારીઓ રૂબરૂ આવીને રફ ડાયમંડ જોઈને લેતા હતા.

પરંતુ, જ્યારથી વેપાર ઓનલાઈન થઈ ગયો છે ત્યાંથી અમે પોતે ડાયમંડને સારી રીતે જોઈને ફોટો વીડિયો બનાવીને સોશિયલ મીડિયાના મારફતે ભારતના વેપારીઓને મોકલીએ છે. ઓનલાઇનના કારણે થોડી મુશ્કેલીઓ થાય છે. હાલ પોલિશડ અને જ્વેલરી બન્નેમાં ડિમાન્ડ સારી છે. મને લાગે છે સાત મહિના સુધી માર્કેટ સારું રહેશે. અગાઉ દિબીયર્સ દ્વારા રફના ભાવમાં વધારો કરાયો છે અને આવનાર દિવસોમાં રશિયન કંપની દ્વારા પણ 8થી 10 ટકાનો ભાવમાં વધારો કરશે. અત્યારે લોકોને પોસાય છે કારણ કે હાલ ડિમાન્ડ છે.

ટેન્ડરિંગ થકી આ રફ ડાયમંડ ખરીદે છીએ

ઓનલાઇન ટ્રેડિંગથી ડાયમંડ મંગાવનાર સુરતના વેપારી નિલેશ બોડકીએ જણાવ્યું હતું કે, હાલ જે રીતે ફ્લાઇટની અવરજવર ઓછી છે અને કોરોનાનો માહોલ છે તેના કારણે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી રફ ડાયમંડ મંગાવીએ છે અને તેમાં રફ ડાયમંડની તમામ વિગતો પણ હોય છે અને તે મુજબ અમે હીરો સારો છે કે નહીં તેનો અંદાજ લગાવીએ છીએ. ત્યાર પછી ટેન્ડરિંગ થકી આ રફ ડાયમંડ ખરીદે છે.

(5:27 pm IST)