Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સાણંદ તાલુકાના વિંછીયા નજીકના વાદી સમાજના બાળકો પણ મદારીના ખેલના બદલે હવે કરે છે યોગઃ નરેન્દ્રભાઇ મોદીના અભિયાનને સફળતા

સાણંદ: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વીંછીયા ગામ નજીક ખુલ્લી જગામાં વસતા વાદી સમાજના બાળકો આજે યોગના પાઠ કરે છે. સ્થળ પર બનાવાયેલી વાદી પાઠશાળામાં રોજ સવારે બાળકો શિક્ષણ શરૂ થતા પહેલા યોગ-આસન કરીને સૌનું ધ્યાન આકર્ષિત કરે છે. આજે ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ છે. યોગ એ સમગ્ર વિશ્વને ભારતની આગવી દેન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આખાને યોગનું અને ભારતની શ્રેષ્ટતાનું મહત્વ સમજાવ્યું છે.

જે ભારતની છબી એક સમયે સાપ-સપેરા, વાદી-મદારીના દેશની હતી એ જ ભારત આજે વિશ્વ ગુરૂ બનવા ભણી સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે. વાદી મદારીના બાળકો પણ હવે તેમના આ પરા પૂર્વના વ્યવસાય થી મુક્ત થઈ યોગ દ્વારા એકાગ્રતા કેળવી શિક્ષણ માટે પ્રવૃત્ત બન્યા છે.

વાદી સમાજ એટલે સાપવીંછીના ખેલ કરીને પેટીયું રળતો સમાજ. પરંપરાગત એટલે કે પોતાના વડવાઓની પ્રવૃત્તિને આ સમાજે આગળ વધારી છે. પરંતુ કાળ ક્રમે બદલાતા સમયમાં હાથ ચાલાકી જ છે એવા જાદુના ખેલ તરીકે ઓળખાતી પ્રવ્રુત્તિ આજે દેખાતી બંધ થઈ છે. સાણંદના માનવ સેવા ટ્રસ્ટે શિક્ષણ વિભાગના સહયોગથી અહીં વાદી પાઠશાળા શરૂ કરી છે.

સાણંદના વીંછિયા ખાતે ખુલ્લાં આકાશને ચાદર બનાવી જીવતા વિચરતી વિમુક્ત જાતિના ડંગામાં પ્રકૃતિના ખોળે રમનાર ચંચળ અને પલાંઠી વાળીને ઘડીકેય ન ઝપનાર આ વનબાળને લકુલેશ યોગા યુનિવર્સીટીની છાત્રા નિધી બારોટેએક સપ્તાહ યોગ શિક્ષણની તાલીમ આપી.

યોગ સ્વાસ્થ્ય અને મન માટે ઉત્તમ છે એ બાબત તો નિર્વિધ્ન છે પણ આ બાળકોના ચંચળ સ્વભાવ અને મનને સ્થિર કરવામાં યોગ જરૂર મદદ કરશે. સમજુનાથ વાદી પાઠશાળાના આ બાળકો પલાંઠીવાળી એકચિત્તે ભણતા થાય એ માટેની એકાગ્રતા ઉપલબ્ધ કરતા યોગ કદાચ આ બાળકોની સૌથી મોટી ઉપલધિ કહી શકાય.

(5:24 pm IST)