Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ગુજરાતમાં આજથી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ

રાજયમાં ૧,૦૨૫ સેન્ટર ખાતે વેકસીન ઉત્સવ : ૨.૨૦ કરોડ ડોઝ સાથે ગુજરાત વેકિસનેશનમાં અગ્રેસર છેઃ આ ઉપરાંત સમગ્ર દેશમાં પ્રતિ ૧૦ લાખ વ્યકિતએ કોરોના વેકિસનેશનમાં ગુજરાત પ્રથમ સ્થાન પર છે

ગાંધીનગર, તા.૨૧: વિશ્વ યોગ દિવસથી ગુજરાતમાં કોરોનાની રસીમાટેના મહાભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે સેકટર-૮માં આવેલા રસીકરણ કેન્દ્ર પરથી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં વેકસીનન અભિયાનને વધારે વ્યાપક બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ અભિયાન પ્રમાણે ૧૮થી ૪૪ વર્ષની વય વચ્ચેના લોકો હવે કોવિન એપ્લિકેશન કે વેબસાઇટ પર નોંધણી કરાવ્યા વગર સીધા જ રસીકરણ કેન્દ્ર પર જઈને વેકસીન લઈ શકશે. આ લોકોનું સ્થળ પર જ રસીકરણ કરવામાં આવશે. આજે રાજયમાં ૧,૦૨૫ સ્થળ પર એકસાથે વેકસીન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારના મંત્રીઓ અલગ અલગ જગ્યાએ વેકસીન અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે.

આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ લોકોને વેકસીન લેવા માટે અપીલ કરી હતી. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, આપણે ગુજરાતને કોરોના મુકત અને વેકસીન યુકત બનાવવા જઈ રહ્યા છીએ. આ સાથે જ તેઓએ લોકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા માટે અપીલ કરી હતી.

૨૧મી જૂનથી ગુજરાતમાં વોક-ઇન વેકસીનેશની શરૂઆત થઈ છે. એટલે કે હવે લોકો સીધા જ વેકસીનેશન સેન્ટર ખાતે જઈને ત્યાં નોંધણી કરાવીને વેકસીન લઈ શકે છે. હાલની વ્યવસ્થા પ્રમાણે વેકસીન લેવા જતા પહેલા કોવિન એપ્લિકેશન અથવા વેબસાઇટ મારફતે નોંધણી કરાવવી ફરજિયાત છે. હવે વેકસીન લેવા માંગતા લોકોની નોંધણી સ્થળ પર પણ થઈ શકશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાતના વિવિધ શહેરોમાં ડ્રાઇવ ઇન વેકસીનેશનનો પ્રયોગ કરવામાં આવી ચૂકયો છે. જેમાં વ્યકિત પોતાના વાહન સાથે જઈને વેકસીન લઈ શકે છે.

 જે લોકો ઓનલાઇન નોંધણી નથી કરાવી શકતા તે લોકો હવે સીધા જ રસીકરણ કેન્દ્ર ખાતે જઈ શકશે અને સ્થળ પર નોંધણી કરાવીને રસી મૂકાવી શકશે.

 અનેક લોકો તરફથી કોવિન એપ અને વેબસાઇટ મારફતે નોંધણી કરાવવામાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો કરવામાં આવી રહી હતી. હવે એ ઝંઝટમાંથી મુકિત મળશે.

 સ્થળ પર જ નોંધણી થતી હોવાથી વધારે લોકો રસી મૂકાવવા માટે પ્રેરાશે.

 ઓનલાઇન નોંધણીમાં પડી રહેલી મુશ્કેલીને પગલે રસીકરણ અભિયાન મંદ પડી ગયું હતું. હવે તેમાં ઝડપ આવશે.

ગુજરાત સરકારે આપેલી માહિતી પ્રમાણે ૨.૨૦ કરોડ ડોઝ સાથે ગુજરાત વેકિસનેશનમાં અગ્રેસર છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં પ્રતિ ૧૦ લાખ વ્યકિતએ કોરોના વેકિસનેશનમાં ગુજરાત પ્રથમ સ્થાન પર છે. આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન વોરિયર્સ અને ૪૫ વર્ષથી વધારે વયના લોકોના વેકિસનેશનમાં પણ ગુજરાત અગ્રેસર છે. હાલ ગુજરાતના ૫,૦૦૦ કરતા વધારે સેન્ટરો પર રસીકરણની કામગીરી ચાલી રહી છે.

(11:19 am IST)