Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

અમદાવાદના મુસ્લિમ યોગ ગુરૂના સરખેજ રોજામાં યોગ

મુસ્લિમ યોગ ગુરૂની પહેલને લઇ ભારોભાર પ્રશંસા : ૨૭ વર્ષથી યોગ કરાવી રહેલા યોગ ગુરૂએ ત્રણ લાખથી વધુ લોકોને યોગ કરાવ્યા :ઘણા એવોર્ડ મેળવ્યા ચુક્યા છે

અમદાવાદ, તા.૨૧ : દેશ-વિદેશમાં યોગના પાઠ ભણાવીને ખ્યાતિ મેળવનારા શહેરના મુસ્લિમ યોગ ગુરૂએ આજે વર્લ્ડ યોગા ડે નિમિત્તે સરખેજ રોજામાં યોગ કરાવ્યા હતા અને મુસ્લિમ સમાજ સહિત સૌકોઇનું ધ્યાન ખેંચ્યું હતુ અને યોગ મુદ્દે મુસ્લિમ સમાજમાં પણ અનોખી પ્રેરણા પૂરી પાડી હતી. અમદાવાદના મુસ્લિમ યોગ ગુરૂ મહેબૂબ કુરેશી છેલ્લા ૨૭ વર્ષથી યોગના પાઠ ભણાવે છે. માત્ર એટલું જ નહીં, તેઓ દુનિયાની એક અજાયબી ગણાતી ગ્રેટ વોલ ઓફ ચાઇના પરથી લઇ સરખેજ રોજા અને જુહાપુરામાં પણ યોગા કરાવી ચૂક્યા છે. આજે પણ યોગગુરૂ મહેબૂબ કુરેશીએ સરખેજ રોજામાં યોગનો વિશેષ કાર્યક્રમ યોજયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો જોડાયા હતા. શહેરના પાલડી વિસ્તારમાં રહેતા મહેબૂબ કુરેશી ભાવનગરની ડીઓ કચેરીમાં નિરિક્ષક તરીકે કામ કરતા હતા. તેઓ સંખ્યાબંધ શૈક્ષણિક તાલીમ સંસ્થાઓમાં શિક્ષકોને પણ યોગની તાલીમ આપી ચૂક્યા છે. આ અંગે મહેબૂબભાઇએ જણાવ્યું હતું કે, તેઓને યોગના ક્ષેત્ર સંખ્યાબંધ એવોર્ડ મળી ચૂક્યા છે. તેમણે ચીનની દિવાલ પર યોગા કર્યા ત્યારે એક વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. આ સાથે જ તેઓ ચીનની દિવાલ પર સૌ પ્રથમવાર યોગ કરાવનારા મુસ્લિમ યોગ ગુરૂ બન્યા હતા. મુસ્લિમ યોગ ગુરૂ છુ પણ મારે ક્યારેય વિરોધનો સામનો કરવો પડ્યો નથી. અગાઉ મેં જુહાપુરમાં પણ યોગ કર્યા ત્યારે તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યોગથી શરીર સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસ સહિતના અનેક ફાયદાઓ થાય છે, તેથી સૌકોઇએ યોગને જીવનમાં નિત્યક્રમ બનાવવો જોઇએ.

(7:32 pm IST)