Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

માહી ડેરી દ્વારા દૂધની ખરીદીનો કિલો ફેટનો ભાવ રૂ.૬૭૦ કરાયોઃ પશુપાલકોમાં હરખ

પશુદાણના ભાવમાં પણ પશુપાલકોને બેગદીઠ રૂ.૧૦૦ની સબસીડી ચાલુ રખાઈ

રાજકોટ,તા.૨૧: રાજયમાં ગત વર્ષે અનેક વિસ્તારોમાં અપૂરતો વરસાદ પડયો હતો. એક બાજુ હાલ કાળઝાળ ઉનાળાની ગરમીથી સમગ્ર રાજયમાં પાણીની તીવ્ર ખેંચ ઉદભવી છે અને જગતનો તાત ચિંતામાં પડી ગયો છે. તેમાં પણ પશુઓના ખાણ દાણની કિંમતોમાં સતત વધરો થતા પશુપાલકોની સ્થિતિ કપરી બની ગઈ છે. ત્યારે માહી ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવવાતા દૂધના ભાવમાં ઐતિહાસિક વધારો કરી કિલો ફેટના ભાવ રૂ.૬૭૦ કરી દેવાતા પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો છે. તેની સાથે સાથે પશુપાલકોની સ્થિતિને ધ્યાને લઈને પશુદાણના ભાવમાં પણ પશુપાલકોને બેગદીઠ આપવામાં આવી રહેલી રૂ.૧૦૦ની સબસીડી ચાલુ રાખવાનો નિર્ણય કંપનીના નિયામક મંડળ દ્વારા કરાતા પશુપાલકોનો આનંદ બેવડાઈ ગયો છે.

એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે પશુઓની સાથે સાથે દૂધ ઉત્પાદકોની સ્થિતિ અત્યંત કપરી બની ગઈ છે તો બીજી તરફ પશુઓના ખાણ દાણની કિંમતોમાં પણ દિન- પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લીલા ચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે તેની સાથે સાથે દાણ બનાવતી મોટાભાગની કંપનીઓએ દાણની બેગના ભાવમાં પણ અસહ્ય વધારો ઝીકયો છે અને તેના કારણે પશુ નિભાવણી ખર્ચમાં કમ્મરતોડ વધારો થયો છે. પશુપાલકોની આ સ્થિતિને ધ્યાને લઈને દૂધ ઉત્પાદકોની પોતાની  કંપની માહી મિલ્ક પ્રોડયૂસર કંપનીના નિયામક મંડળે દૂધ ઉત્પાદકોને ચૂકવાતા દૂધના ભાવમાં ઐતિહાસિક વધારો કરવાનો નિર્ણય લેતા કંપનીના દૂધ ઉત્પાદક સભ્યોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. માહી ડેરી દ્વારા પશુપાલકોને હાલમાં દૂધના ચૂકવાતા કિલો ફેટદીઠ ભાવમાં વધારો કરીને દૂધના કિલો ફેટદીઠ રૂ.૬૭૦ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો ૨૧ જૂનથી અમલમાં આવ્યો છે.

માહી કંપનીના નિયામક મંડળ દ્વારા પશુઓને પૂરતું પોષણ મળી રહે તે માટે તમામ પશુદાણની બેગદીઠ હાલમાં આપવામાં આવી રહેલી રૂપિયા ૧૦૦ની સબસીડી પણ ચાલુ રાખવાની જાહેરાત કરાતા કંપનીના દૂધ ઉત્પાદક સભ્યોનો આનંદ બેવડાઈ ગયો છે. માહી કંપની દ્વારા કરાયેલા આ દૂધ ખરીદ ભાવ વધારાને કારણે તેમજ પશુદાણમાં આપવામાં આવી રહેલી સબસીડીના કારણે પશુપાલકોની સમસ્યા મહદ અંશે હળવી બનશે. હાલ માહી ડેરી દ્વારા દૂધ ઉત્પાદક સભ્યોના હિતમાં લેવામાં આવેલા આ નિર્ણય લેવામાં આવેલા આ નિર્ણયના કારણે પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો છે.

(3:11 pm IST)