Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સરકાર બેઠી છે, બિનઅનામત વર્ગ ચિંતા ન કરેઃ અભ્યાસ-ધંધા માટે ગયા વર્ષે ૪૮ કરોડ આપ્યા, આ વર્ષે ૩૨૦ કરોડનો લક્ષ્યાંક

વિદ્યાર્થીઓને ભોજન, શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે મદદઃ ધંધો કરવા પણ લોન મળે છેઃ ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અધ્યક્ષ બી.એચ. ઘોડાસરા અને મેનેજીંગ ડીરેકટર ડી.એસ. ગઢવી (આઈ.એ.એસ.) ના માર્ગદર્શન હેઠળ યશસ્વી કામગીરી

રાજકોટ, તા. ૨૧ :. ગુજરાતમાં બિનઅનામત વર્ગના પરિવારો અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક તથા આર્થિક ઉત્કર્ષ માટે રચાયેલ ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિતેલા નાણાકીય વર્ષમાં વિવિધ યોજનાઓ દ્વારા લાભાર્થીઓને જંગી સહાય કરવામાં આવી છે. નવા વર્ષમાં વધુ સહાય દ્વારા વિકાસને વેગ આપવાનું આયોજન છે. નિગમના અધ્યક્ષ શ્રી બી.એચ. ઘોડાસરા અને મેનેજીંગ ડીરેકટર શ્રી ડી.એસ. ગઢવીના (આઈ.એ.એસ.) માર્ગદર્શન હેઠળ વિકાસ માટે સહાયની પ્રવૃતિ ચાલી રહી છે.

સત્તાવાર વર્તુળોના જણાવ્યા મુજબ ગઈ ૩૧ માર્ચ ૨૦૧૯ની સ્થિતિએ વિતેલા નાણાકીય વર્ષમાં ૮૯૬૧ અરજીઓ પર ૪૮૬૮.૦૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૭૧૦૦ અરજીઓ વિદ્યાર્થીઓને ભોજન સહાય માટેની હતી. તેના માટે ૮૪૬.૧૩ લાખ ચૂકવાયેલ છે. બાકીની રકમ ધો. ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં તેમજ જી, નીટ, ગુજકેટની કોચીંગ સહાય માટે ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષા, શૈક્ષણિક અભ્યાસ લોન અને સ્વરોજગારલક્ષી લોન પેટે ચૂકવાયેલ છે.

સ્વરોજગારલક્ષી લોનમાં લોડીંગ રીક્ષા, ઈકો, જીપ, ટેક્ષી જેવા વાહનો માટે ઓન રોડ યુનિટ કોસ્ટ લોન મળવા પાત્ર છે. જેમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬ લાખ સુધીની છે. કરીયાણાની દુકાન, મેડીકલ સ્ટોર, બુક સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ, બ્યુટી પાર્લર, મંડપ સર્વિસ, કેટરીંગ, મોબાઈલ ફોન શોપ, ગીફટ આર્ટિકલ-રમકડા શોપ, સોના-ચાંદીની દુકાન, સ્ટેશનરીની દુકાન, અનાજ દળવાની ઘંટી વગેરે માટે નિયત ધારાધોરણ મુજબ લોન આપવાની જોગવાઈ છે. તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક માટે બેન્ક ધિરાણ સામે પોતાના ધંધાના સ્થાપન અને વિકાસ અર્થે રૂ. બેન્ક લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર છે.

૨૦૧૯-૨૦ના વર્ષમાં વ્યવસાયિક હેતુના વાહનો અને નાના પાયાના વ્યવસાયો માટે કુલ ૮૮૨૫ યુનિટમાં ૩,૨૦,૭૫,૦૦,૦૦૦  રૂ. સુધીની    સહાય આપવાનુ આયોજન છે. વધુ માહિતી માટે નિગમની  કચેરી,  કર્મયોગી ભવન, બ્લોક નં. ૨/૭, ડી-૨, સેકટર-૧૦, ગાંધીનગર ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૬૮૮ અને ૮૪ ઉપર સંપર્ક સાધી શકાય છે. નિગમની વેબસાઈટઃ  www. gueedc.gujarat.gov.in ઉપર પણ વિસ્તૃત માહિતી ઉપલબ્ધ છે.

(11:52 am IST)