Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સુરેશ શાહ હત્યા કેસમાં મુખ્ય આરોપી શેખવા અંતે ઝડપાયો

આ કેસમાં અત્યારસુધી પાંચની ધરપકડ :વાસણાની લાવણ્ય સોસાયટીમાં મહાદેવના મંદિરમાં તા.૧૦મી માર્ચે વેપારી સુરેશ શાહની હત્યા થઇ હતી

અમદાવાદ,તા.૨૧ :શહેરના વાસણા વિસ્તારમાં વેપારી સુરેશ શાહની હત્યાના મામલે મુખ્ય આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ શેખવાની સુરેન્દ્રનગરના એક ગામમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુરેશ શાહ સાથેની અગાઉની જૂની અદાવતમાં બદલો લેવાના ઇરાદે રાજુ શેખવાએ રૂ.પ૦ લાખની સોપારી આપી સુરેશભાઇની હત્યા કરાવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કેસની તપાસમાં અત્યારસુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના વાસણા વિસ્તારમાં આવેલી  લાવણ્ય સોસાયટીમાં ગત તા.૧૦ માર્ચના રોજ મહાદેવના મંદિરે દર્શન કરવા આવેલા વેેપારી સુરેશ શાહની કેટલાક અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી હતી, જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે રેકી કરનાર અને હત્યામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ પાંચ દિવસ અગાઉ શાર્પશૂટર રવુ કાઠીની ચોટીલાથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. સુરેશ શાહ પર રવુ કાઠીએ ગોળી ચલાવી હતી. રવુ કાઠીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, રાજુ શેખવાએ સુરેશ શાહની સોપારી ઘનશ્યામ ઉર્ફે ઘનો અને રવુ કાઠીને આપી હતી. હત્યાના બે-ત્રણ દિવસ અગાઉ રાજુ શેખવાએ એક તમંચો અને કારતૂસ આપ્યાં હતાં. આરોપી રાજુ શેખવાએ જૂની અદાવતમાં આ હત્યા કરાવી હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે. સુરેશ શાહે અગાઉ રાજુ શેખવા પર હુમલો કરાવ્યો હતો, જોકે તેમાં સુરેશ શાહ નિર્દોષ છૂટ્યા હતા. આરોપી રાજુ શેખવા ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી આ સમગ્ર મામલા અંગે વધુ વિગતો મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

(7:57 pm IST)