Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

અમદાવાદ-વડોદરા હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં 3 મોતને ભેટ્યા: 3ને ગંભીર ઇજા

અમદાવાદ-વડોદરા એક્સપ્રેક્સ વે પર ગત મોડી રાત્રે એસટી બસ નં.જીજે.૧૮.ઝેડ.૧૩૯૦ અમદાવાદ થી દાહોદ તરફ જઇ રહી હતી. જેને ઓવરટેક કરવા ટેન્કર નં.જીજે ૮.વાય.૮૭૩૦ ના ચાલકે પ્રયાસ કર્યો હતો. દરમ્યાન બંને વાહનોના સાઇડ ગ્લાસ એક બીજાને ટકરાય ત્યા સુધી વાહનો નજીક આવી જતા બંને વાહન ચાલકો ઉશ્કેરાઇ ગયા હતા. એસટીના ચાલક અને ટેન્કર ચાલકે એકબીજાને ઇસારો કરી વાહનો સાઇડમાં ઉભા રાખી તુતુમેમે કરી રહ્યા હતા, ત્યારે અચાનક પાછળથી પુરઝડપે આવી રહેલ ટ્રક નં.જીજે.૧૮ યુ.૭૨૮૨ ના ચાલકે ટેન્કરને પાછળના ભાગેથી જોરદાર ટક્કર મારી હતી. 
સમગ્ર ઘટના દરમ્યાન એસટી બસ સાઇડમાં ઉભી રાખતા કેટલાક મુસાફરો એસટીમાંથી નીચે ઉતર્યા હતા. દરમ્યાન ટ્રક ચાલકે પાછળના ભાગેથી જોરદાર ટક્કર મારતા દૂધની ટેન્કર પાછળના ભાગેથી એસટીમાં ઘૂસી ગઇ હતી. જેના કારણે બસની નીચે ઉતરેલ એક પેસેન્જર સોમાભાઇ બી. પગી (રહે. દલવાડા, પંચમહાલ) અકસ્માતનો ભોગ બન્યા હતા. અને તેમનો માથાનો ભાગ બસની નીચે આવી જતા તેમનું ઘટનાસ્થળ પર જ મૃત્યું થયુ હતુ. જ્યારે અન્ય ટેન્કરનો ચાલક પણ અકસ્માતમાં ઘવાતા તેના શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. અને તેનું પણ ઘટનાસ્થળ પર જ મૃત્યું થયું હતું. અકસ્માતમાં એસટી બસમાં બેઠેલા ચાર મુસાફરોને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. જેઓને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. દરમ્યાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. એક્સપ્રેક્સ વે પર સર્જાએલ ગમખ્વાર અકસ્માતના બનાવમાં પોલીસે એસટી બસના કંડન્કટર ઇશ્વરભાઇ વાલાભાઇ ચૌહાણ, (રહે. ચંદાણા, તા.ફતેપુરા જિ.ઝાલોદ)ની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:44 pm IST)