Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

વડોદરામાં ૭ કરોડમાં જાદુઇ લાકડી વેચવા માટે નીકળેલી ગેંગને અેસ.ઓ.જી. ટીમે ઝડપી પાડી

વડોદરાઃ શહેરના કિશનવાડી વિસ્તરમાં રહેતા સતિષ સોની અને તેઓના અન્ય ચાર મિત્રો છેલ્લા કેટલાક સમયથી પોતાની પાસે રહેલી અવળ વેલ નામની લાકડી લઈને તેને જાદૂઈ લાકડી કહીને લોકો પાસે તેનો ડેમો બતાવવાના નામે પાંચ લાખ જેટલી માતબર રકમ નક્કી કરીને આ જાદૂઈ લાકડીને વેચવાના આશય સાથે લોભિયા વ્યક્તિની તપાસમાં હતા.

આ જાદૂઈ લાકડીની કિંમત કુલ 27 કરોડ બતાવતા હતા અને આ જાદૂઈ લાકડાથી એક ઇંચની કિંમત દોઢ કરોડ રૂપિયા નક્કી કરી હતી. મહત્વનું છે કે અવળ વેલ એ એક એવી વનસ્પતિનું મૂળ છે જેને વહેતાં પાણીમાં નાંખતાની સાથે તે લાકડી પાણીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં આગળ વધતી હોય છે અને કાળા જાદૂના કામમાં પણ આ અવળ વેલનો ઉપયોગ થતો હોય છે. સામાન્ય રીતે અવળવેલ જે પણ વ્યક્તિ પાસે હોય તે વ્યક્તિ પોતાનું ધાર્યું કામ પાર પાડી શકે છે એવી માન્યતા વચ્ચે કિશનવાડી ના સુરેશ સોનીએ મૂળ ભુજ ખાતે રહેતા ડો.સંજય પટેલ પાસેથી અવળ વેલ નામની જાદૂઈ લાકડી મેળવી હતી.

જાદૂઈ લાકડીનો ડેમો બતાવી તેને વેચવા માટે ગ્રાહકની શોધમાં આ તમામ ઈસમો અલકાપુરી વિસ્તરમાં આવેલ લક્ષ્મીહોલ પાસે હોન્ડા સીટી કાર લઈને ઉભા હોવાની બાતમી એસ ઓ જી ને મળી હતી. બાતમીના આધારે એસ.ઓ.જી.એ હોન્ડા કાર જાદૂઈ લાકડી સહિત રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

લોભિયા હોય ત્યાં ધૂતરા ભૂખ્યા ન મરે તે ઉક્તિ અનુસાર જાદૂઈ લાકડી વેચવાના ફિરાકમાં શહેરમાં ગ્રાહક શોધી રહેલી ઠગ ટોળકી કોક વ્યક્તિને પોતાનો શિકાર બનાવે એ પહેલાં જ એસ ઓ જી પોલીસે ઝડપી લેતા પોલીસે હવે કસ્ટડી રિમાન્ડની માંગણી કરી છે. અને પોલીસ તપાસમાં આ બાબતે ઘણા ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે.

(5:20 pm IST)