Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ગુજરાતભરમાં વધતા જતા વર્ગવિગ્રહના બનાવો સામે પોલીસ તંત્રને અંતે ડીજીપી શિવાનંદ ઝાએ ઢંઢોળ્યું

અનુસૂચિત જાતિના વિસ્તારોની ફરજીયાત મુલાકાત લેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની જવાબદારી ફીકસઃ પ્રશ્નો સાંભળી ખાનગી અહેવાલ મોકલવા આદેશ : માત્ર કાગળ પર જ રહી ગયેલી જુની પ્રથાને પુનઃ જીવીત કરવાનું રાજ્યના પોલીસવડાનું અનુકરણીય કદમ

રાજકોટ, તા. ૨૧ :. રાજ્યમાં કેટલાક સમય થયા દલિતો સાથે ગુજરાતના વિવિધ ગામોમાં ચોક્કસ પ્રકારની મૂછો રાખવા, ચોક્કસ પ્રકારની મોજડીઓ પહેરવા, લગ્ન પ્રસંગે ઘોડી પર બેસવુ તથા નામ પાછળ ચોક્કસ વિશેષણ વાપરવું વગેરે મામલે વધી રહેલા બનાવોથી ચિંતિત થઈ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યભરના જિલ્લા પોલીસ વડાઓ, રેન્જ વડાઓ અને પોલીસ કમિશ્નરોને આદેશ આપી પોતાના તાબા હેઠળના સંવેદનશીલ સ્થળો શોધી કાઢી તેની સમયાંતરે મુલાકાત લેવા આદેશ આપી સામાજીક સમરસતાનું વાતાવરણ સર્જાય તે માટે કાર્યવાહી કરવા સૂચવ્યું છે.

અત્રે યાદ રહે કે, સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં જે રીતે મૃત ઢોરના મામલે અનુસૂચિત જાતિના લોકો પર જે રીતે અત્યાચારની ઘટના બની ત્યાર બાદ રાજકોટ જિલ્લાના શાપર ગામે ચોરીની શંકા આધારે અનુસૂચિત જાતિના યુવક પર જે રીતે અત્યાચાર થયો તેના કારણે પોલીસ તંત્ર તથા રાજ્ય સરકારને ખોટી રીતે બદનામ થવાનો વારો આવ્યો હતો તે જાણીતી વાત છે.

તાજેતરમાં જ ગુજરાતના માણસા પંથકમાં અનુસૂચિત જાતિના યુવાનના લગ્નપ્રસંગે તેને ઘોડી પર બેસતા અટકાવવામાં આવતા મામલો તંગ બન્યો હતો. જો કે પોલીસે તાકીદે પગલા લઈ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી પોલીસ બંદોબસ્ત હેઠળ જાન રવાના કરી હતી. આ જ રીતે ગુજરાતમાં ચોક્કસ પ્રકારની મૂછો તથા ચોક્કસ પ્રકારની મોજડી પહેરવાના મામલે પણ ધમાલ થઈ હતી. એક યુવાનને કેટલાક શખ્સોએ ઉંચકી-ઉંચકીને નીચે પછાડી માર માર્યાના આરોપની ફરીયાદ સાથે સોશ્યલ મીડીયામાં આ બનાવનો વિડીયો વાયરલ થતા સરકારને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવુ પડયુ હતું.

રાજ્યના પોલીસ વડાએ ગ્રામ્ય વિસ્તારમાં એસપીઓએ તેમના જિલ્લાના સંવેદનશીલ ગામોની મુલાકાત લઈ ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી અને આવી અનુસૂચિત જાતિના મહોલ્લા કે ગામની મુલાકાત લઈ ખાનગીમાં તેમની પરિસ્થિતિનો તાગ મેળવી આ બાબતે તમામ બાબતોનું સંકલન કરી અને તેનો રીપોર્ટ કરવા પણ સૂચવ્યુ છે.

રાજ્યના પોલીસ વડાએ વિશેષમાં સંબંધકર્તા અધિકારીઓને એવી પણ સૂચના આપી છે કે, ગામડાની મુલાકાત દરમિયાન સંબંધીત વિસ્તારના જે પ્રશ્નો મુલાકાત લેનાર અધિકારીના ધ્યાને આવે તે તમામ પ્રશ્નો તેમજ મુલાકાત દરમિયાન થયેલી ચર્ચા, પ્રશ્નોના થયેલા નિરાકરણ, બાકી રહેલી સમસ્યાઓ, હાજર રહેલા આગેવાનો અને તેમની રજૂઆતો વગેરેનો વિગતવાર અહેવાલ સિનીયર અધિકારીએ તૈયાર કરી પોલીસ કમિશ્નર, પોલીસ અધિક્ષકને મોકલવાનો રહેશે તેમ પણ જણાવ્યુ છે.

અત્રે યાદ રહે કે પોલીસ મેન્યુઅલ મુજબ ઉચ્ચ અધિકારીઓ જ્યારે પોતાના તાબાના જિલ્લાના ગામોની વિઝીટ કરે ત્યારે જ્યાં અનુસૂચિત જાતિના લોકો વસતા હોય તેવા વિસ્તારમાં જઈ તેમના પ્રશ્નો સાંભળવા ફરજીયાત હોય છે અને આ બાબતે તેઓના ધ્યાન પર આવેલી ગંભીર બાબતોનું નિરાકરણ કરવા સાથે એ સમસ્યા અંગે ઉચ્ચ કક્ષાએ જાણ કરવાની હોય છે. જેનો અમલ લાંબા સમયથી બંધ હતો. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ તમામ સારી બાબતોનો કડકાઈથી અમલ કરાવવાનું શરૂ કરી અનુકરણીય કદમ ઉઠાવ્યુ છે.

(1:15 pm IST)