Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

અમદાવાદમાં રહેતા મોરબીના હરેશ કાલરીયાની હત્યા કરાવી નાખતી પત્ની

નાની ઉંમરના પ્રેમી સાથે લગ્ન કરવા પતિ આડખીલી રૂપ બનતો હોય કાસળ કઢાવી નાખ્યું

અમદાવાદ,તા.૨૧: મૂળ મોરબીના અને હાલ અમદાવાદમાં સ્કૂલ ચલાવતા પટેલ યુવાનનું તેની જ પત્નીએ નાની ઉંમરના પ્રેમીને પામવા કાસળ કઢાવી નાખતા સનસનાટી મચી છે. આ ચકચારી ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખી હત્યાનું કાવતરૂ રચનાર પત્ની અને તેના પ્રેમી તેમજ અન્ય એક યુવાન સહિત ત્રણની ધરપકડ કરી છે.

આ ચકચારી હત્યા કેસની વિગત જોઈએ તો અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ખારી કેનાલના પુલ નીચેથી એક વ્યકિતની સળગેલી હાલતમાં લાશ પડી હોવાના સમાચાર અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસને મળ્યા હતા. લાશના સમાચાર મળતાંની સાથે જ વિવેકાનંદનગર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ  કરી દીધો હતો. પોલીસને એક યુવાનો આપેલી બાતમીના આધારે પ્રાથમિક તપાસમાં આ લાશ મૂળ મોરબીના ચકમપર ગામના અને હાલ અમદાવાદ પરિવા સાથે રહેતા હરેશ શાંતિલાલ કાલરીયા (ઉ.વ.૩૭)ની હોવાનું બહાર આવ્યું હતું.

જયારે આ બનાવની તપાસમાં મૂળ મોરબીના અને હાલ અમદાવાદમાં સ્કૂલ ચલાવતા પટેટ યુવાનનું તેની જ પત્નીએ નાની ઉંમરના પ્રેમીને પામવા કાસળ કઢાવી નાખ્યું હતું. આ ચકચારી ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખી કાવતરૂ રચનાર પત્ની અને તેના પ્રેમી તેમજ અન્ય એક યુવાન સહિત ત્રણની ધરપકડ કરી છે. ત્રણેય શખ્સોએ દારૂની પાર્ટી કરી હરેશના મોઢા ઉપર પથ્થરો મારી છરીના ઉપરાઉપરી ૨૫ ઘા મારી પતાવી દીધો. એક વર્ષ પહેલાં રેખા અને નીતિનની દોસ્તી પ્રેમમાં બદલાતાં તેઓએ થોડાક દિવસો પહેલાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંને લગ્ન કરે તો અડચણરૂપ થાય એવા હરેશભાઈનો કાંટો કાયમ માટે કાઢવા નીતિન અને રેખાએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તેણે તેના મિત્ર દર્શિત પંડ્યાની મદદ માગી હતી પ્લાન અનુસાર નીતિને હરેશભાઈ સાથે દારૂની પાર્ટી કરવા માટે હાથીજણ ખારી કેનાલ બ્રિજ નીચેનું સ્થળ નક્કી કર્યું હતું. બંને જણા બાઈક લઈને હાથીજણ જવા માટે નીકળ્યા હતા.

નીતિન પાસે એક બેગ હતી. જેમાં દારૂની બોટલ, છરી અને મરચાંની ભૂકી હતી. રસ્તામાં નીતિને તેના મિત્ર દર્શિલને પણ સાથે લઈ લીધો અને ત્રણેય જણા બ્રિજની નીચે પહોંચ્યા. ત્રણેય જણાએ પાર્ટી શરૂ કરીને થોડાક સમય પછી નીતિને હરેશભાઈની છાતીમાં એક છરીનો ઘા ઝીંકી દીધો. હરેશભાઈ જમીન પર ઢળી પડતાં નીતિને તેમની પર ઉપરાછાપરી પથ્થરો મારીને મોં છૂદી નાખ્યું અને પીઠ પર ઉપરાછાપરી ૨૫થી વધુ છરીના ઘા ઝીંકી દીધા. હરેશભાઈનું મોત થતાં નીતિને બાઈકમાંથી પેટ્રોલ કાઢ્યું અને તેમની લાશ પર છાંટીને સળગાવી દીધી હતી.

વિવેકાનંદ નગર પોલીસે આ મામલે નીતિન, રેખા તેમજ દર્શિલની ધરપકડ કરી છે. હરેશભાઈની હત્યા કરવા માટે નીતિન રેખા સાથે પ્લાન બનાવીને ચોટીલા ગયો હતો. જયાં તેણે એક દુકાનમાંથી ધારદાર છરી ખરીદી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. અમદાવાદ પોલીસે મૂળ મોરબીના ચકમપર ગામના તેમજ મોરબીના રાજકીય આગેવાન જયેશભાઈ કાલરિયાના ભાઈ હરેશ શાંતિલાલ કાલરીયા (ઉ.૩૭)ની નિર્મમ હત્યાનો ભેદ ઉકેલી હત્યાનું કાવતરું કરનાર પત્ની અને તેના પ્રેમી સહીત ત્રણ આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:13 pm IST)