Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ગુજરાતના પૂર્વ સૈનિકોની દારૂની પરમિટ રદ્દ થતાં સર્જાયો વિવાદ

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે નિવૃત્ત સૈનિકોએ ધરણા યોજીને સરકારની નીતિનો વિરોધ કર્યો

અમદાવાદ તા. ૨૧ : સરકારની નશાબંધી નીતિના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં વસતા નિવૃત સૈનિકોમાં પડ્યા છે. રાજય સરકાર દ્વારા નવી નશાબંધીની જાહેરાત થાય તે પહેલા જ નિવૃત સૈનિકોની દારૂની પરમીટ બંધ કરી દીધી છે, ત્યારે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે નિવૃત સૈનિકોએ ધરણા યોજીને સરકારની નીતિનો વિરોધ કર્યો છે.

નિવૃત સૈનિકોને આઝાદી પહેલેથી જ દારૂની પરમીટ આપવામાં આવે છે. તેમને બજારમાંથી દારૂ ખરીદવાનો હોતો નથી. તેઓને સૈનિકોની કેન્ટીનમાંથી જ દારૂની ખરીદી તેમના કવોટા પ્રમાણે કરવાની હોય છે. ત્યારે ગુજરાતની બીજેપી સરકાર આ પ્રકારે દારૂ ની પરમીટ નિવૃત સૈનિકો રદ કરી શકે નહીં. માર્ચ ૨૦૧૮થી જ ગુજરાતમાં પૂર્વ સૈનિકોની દારૂની પરમીટ રદ કરાઈ છે. ત્યારે રોષે ભરાયેલા નિવૃત સૈનિકોએ સરકારની નશાબંધી નીતિની પણ આકરી ટીકા કરી હતી.

ગુજરાતમાં નશાબંધી નીતિનો અમલ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે ને સરકાર કઈ કરી શકતી નથી. ગુજરાતમાં દારૂ બંધીનો અમલ કરવા સરકાર ઇચ્છતી હોય તો રાજયમાં સૈનિકો ના હાથમાં પંદર દિવસ નશાબંધીનો અમલ કરવાનો હવાલો આપી દો તો બધે દારૂ વેચાતો બંધ થઇ જશે તેવો દાવો પૂર્વ સૈનિકો એ કર્યો છે.

સૈનિકો દારૂ શોખ માટે પીતા નથી તેઓને મન દારૂ ટોનિક છે. સરકાર દ્વારા જ સૈનિકોને દારૂ પીવાની ટેવ પાડવામાં આવી છે, ત્યારે હવે તેઓ તેના વગર રહી શકે તેમ નથી. પૂર્વ સૈનિકોની દારૂની પરમીટ રદ કરવાનો ગુજરાત સરકારને કોઈ અધિકાર નથી આ કેન્દ્ર સરકારનો વિષય છે. જો રાજય સરકાર દ્વારા પૂર્વ સૈનિકોની દારૂની પરમીટ પુનઃ શરૂ નહીં કરાય તો તેમના દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે.(૨૧.૭)

(10:44 am IST)