Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ગુજરાત ધાર્મિક, સામાજિક, આદ્યાત્મિક અને આર્થિક ચેતનાનું કેન્દ્રબિંદુ:અનેક સકારાત્મક ઉર્જા મળે છે :રક્ષામંત્રી રાજનાથસિંહ

રક્ષામંત્રી રાજનાથ સિંહે સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞના ત્રીજા દિવસે અભ્યુદય યુવા શિબિરમાં હાજરી આપી

વડોદરા :રક્ષામંત્રી રાજનાથ સિંહે સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞના ત્રીજા દિવસે અભ્યુદય યુવા શિબિરમાં હાજરી આપી હતી. અહીં કારેલી બાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલી શિબિરમાં તેમણે ગુજરાતને ધાર્મિક, સામાજિક, આદ્યાત્મિક અને આર્થિક ચેતનાનું કેન્દ્રબિંદુ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અહીં આવવાથી અનેક અનોખા પ્રકારની સકારાત્મક્તા ઊર્જા મળે છે. અહીંની ભૂમિ પવિત્ર છે. આ ભૂમિએ નરસિંહ મહેતા, દાદુ દયાળ અને સહજાનંદ સ્વામિ જેવી વિરલ વિભૂતિઓએ ભક્તિ માર્ગ પ્રશસ્ત કરી અનેક લોકોને સદ્દમાર્ગે વાળવાનું પુણ્યનું કામ કર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ વિભિન્નતામાં એકતાને પ્રસ્તુત કરે છે. ભારતીય સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે, એટલી જ નવીનત્તમ છે. અન્ય મતને સન્માન આપવાનું કામ આપણી સંસ્કૃતિ કરે છે. અનેક ધર્મ, સંપ્રદાય અને મતોને પણ ભારતીય સંસ્કૃતિએ જાળવી રાખ્યા છે. આ જ ભારતીયતાની સાચી નિશાની છે. માનવતા નિભાવી કલ્યાણ કરવાનું કાર્ય આ સંસ્કૃતિએ કર્યું છે. દર્શનશાસ્ત્ર અને જ્ઞાન થકી દુનિયાને નવી રાહ આ સંસ્કૃતિએ બતાવી છે.

રાજનાથસિંહે એમ પણ ઉમેર્યું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે ગરીબો, દલીતો, પીડિતો અને મહિલાઓની આદ્યાત્મિક ઉન્નતીનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. સવા બસ્સો વર્ષ પૂર્વે તેમણે સમાજમાં ચાલી રહેલી બદીઓને દૂર કરવાનું આહ્વાન કર્યું હતું. શિક્ષાપત્રી જેવો મહાન ગ્રંથ આપી માનવતા, સદ્દગુણો અને આદ્યાત્મિક્તાનો બોધ અમર કર્યો છે. આજના જમાનામાં શિક્ષાપત્રીની પ્રાસંગિક્તા વધી છે. જેમ મનનું સર્કલ મોટું હોઇ એમ આપણામાં આંતરિક આનંદનો વ્યાસ પણ વધે છે. મન મોટું રાખવાથી શાંતિનો અનુભવ થાય છે. વિવાદ કરવાને બદલે સંવાદ કરવાની તક મળે છે. એકત્વથી ઇશ્વરત્વનો અહેસાસ છે.

(11:43 pm IST)