Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

આણંદ નજીક બોરીયાવીમાં રેલવે ગરનાળા નજીકથી દેશી પિસ્તોલ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડયો

આણંદ : આણંદ પાસેના બોરીયાવી બ્રીજના રેલ્વે ગરનાળા નજીકથી એક દેશી પીસ્તોલ તથા ત્રણ જીવતા કારતૂસ સાથે એક શખ્સને ઝડપી લેવાયો હતો. આણંદ એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે દેશી પીસ્તોલ સહિત કુલ્લે રૂા. ૩૫,૦૦૦ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ શખ્સ વિરુધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ એસઓજી પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન બોરીયાવી ખાતે રહેતો ધવલ પટેલ પોતાની પાસે દેશી હાથ બનાવટની પીસ્તોલ રાખી બોરીયાવી બ્રીજના છેડે આવેલ રેલ્વે ગરનાળા પાસે આવનાર હોવાની  બાતમી મળી હતી. જેથી પોલીસની ટીમ રેલ્વે ગરનાળા નજીક ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બાતમી મુજબના વર્ણનનો શખ્સ આવી ચડતા વોચમાં ઉભેલ પોલીસની ટીમે તેને કોર્ડન કરી ઝડપી પાડયો હતો. પોલીસે તેના નામ-ઠામ અંગની પૂછપરછ કરતા તે બોરીયાવી ગામના ઉમીયા ચોક ખાતે રહેતો ધવલભાઈ નગીનભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગઝડતી લેતા કમરના ભાગેથી એક દેશી બનાવટની પીસ્તોલ મળી આવી હતી. સાથે સાથે ત્રણ જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. પોલીસે પીસ્તોલ તથા ત્રણ જીવતા કારતૂસ મળી કુલ્લે રૂા. ૩૫,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ શખ્સને આણંદ ગ્રામ્ય પોલીસને હવાલે કરતા આણંદ ગ્રામ્ય પોલીસે ધવલભાઈ નગીનભાઈ પટેલ વિરુધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આ પીસ્તોલ તે ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ કરતા મધ્યપ્રદેશ ખાતે રહેતા તેના ભાઈએ આ પીસ્તોલ મોકલાવી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઝડપાયેલ શખ્સ દ્વારા અન્ય કોઈ હથિયાર લાવવામાં આવ્યા છે કે કેમ અને કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ કરવા રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(6:15 pm IST)