Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

વિવાદથી ઘેરાયેલી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં મોબાઇલ અને મીડિયાને ‘નો એન્‍ટ્રી': હેડ ઓફિસ ખાતે સુરક્ષા કર્મચારીઓ તૈનાત

સેનેટ સભ્‍ય નિકુલ પટેલે વીસીના નિર્ણયનો વિરોધ કર્યો

વડોદરાઃ વિવાદથી ઘેરાયેલી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી વી.સી.એ યુનિવર્સિટી કેમ્‍પસમાં મોબાઇલ કે મીડિયાને પ્રવેશવાની મનાઇ ફરમાવતી સુચના મુકતા સેનેટ સભ્‍ય નિકલ પટેલે વિરોધ કર્યો છે. યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે હથિયારધારી જવાન પણ તૈનાત કરાયા છે.

વડોદરાની એમ એસ યુનિવર્સિટી હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહે છે. તાજેતરમાં જ વિવાદિત ચિત્રોને કારણે યુનિવર્સિટીની છબી ખરડાઈ હતી. ત્યારે હવે યુનિ.ના વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવનો વિવાદિત નિર્ણયનો મામલો ચગ્યો છે. વાઈસ ચાન્સેલરની ચેમ્બરની બહાર ટ્રે મૂકી સૂચના સાથે બોર્ડ મૂકવામાં આવ્યું છે કે, વીસીની ચેમ્બરમાં જતાં પહેલાં મોબાઈલ બહાર મૂકવો. ત્યારે યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રકારનો નિર્ણય કોઈ વીસીએ નથી લીધો. એટલુ જ નહિ, યુનિ. હેડ ઓફિસ ખાતે હથિયારદારી જવાન પણ તૈનાત કરાયા છે.

યુનિવર્સિટીની વાઈસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ વિવાદિત નિર્ણયોને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે યુનિવર્સિટી ઓફિસમાં નવા નિયમો લગાવ્યા છે. યુનિ. સત્તાધીશોના તકલઘી નિર્ણયનો ચારે તરફ વિરોધ ઉઠ્યો છે. સેનેટ સભ્ય નિકુલ પટેલે નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યુ કે, વીસીના અધિકાર ક્ષેત્રનો નિર્ણય, જેનો અમારો વિરોધ છે. તો આ મામલે યુનિ.ના PRO લકુલીશ ત્રિવેદીએ લુલ્લો બચાવ કરતા કહ્યુ કે, વીસીની ઑફિસમાં ફોનના કારણે ડિસ્ટર્બ થાય છે એટલે આવો નિર્ણય લીધો હશે. અગાઉ યુનિ.માં જે ઘટના બની તેને લઈને ગનમેન પોલીસ કમિશનરે ફાળવ્યો છે.

વાઈસ ચાન્સેલરના તઘલખી નિર્ણય

    વીસીની ચેમ્બરમાં જતાં પહેલાં મોબાઈલ બહાર મૂકવો

    યુનિ. હેડ ઓફિસ ખાતે હથિયારદારી જવાન પણ તૈનાત કરાયા

    હેડ ઑફિસમાં મીડિયાને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો

    વીસી કે રજિસ્ટ્રારની ઑફિસ સુધી કોઈને પણ નહિ જવા આદેશ

તો આ અંગે યુનિ.ના સિન્ડિકેટ સભ્ય મયંક પટેલે કહ્યુ કે, વાઇસ ચાન્સેલરનો નિર્ણય ગેરવ્યાજબી, જેનો સિન્ડિકેટની બેઠકમાં ઉગ્ર વિરોધ કરીશું. વીસી સિન્ડિકેટ અને સેનેટ સભ્યને પણ નથી મળતા, ફોન પણ નથી ઉઠાવતા. યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે છે, જો વીસીને કોઈને મળવાની ઈચ્છા ન હોય તો ચંદ્ર કે મંગળ પર હેડ ઓફિસ બનાવવી જોઈએ. એવું તો શું છે ઑફિસમાં કે મોબાઈલ લઈને નહિ જઈ શકાય?  મીડિયાકર્મીઓ પર રોક કેમ? વીસી વિજય શ્રીવાસ્તવ 50 હજાર વિદ્યાર્થીઓના વાલી છે, માલિક નહિ. વીસીની ઑફિસ બહાર ગન મેનની કેમ જરૂર?, વીસી વાલી તરીકે કામગીરી કરશે તો સિક્યોરિટીની જરૂર નહિ પડે.

(5:19 pm IST)