Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

નવસારીમાં રખડતા ઢોરનો ત્રાસઃ શાક માર્કેટમાં એક વૃદ્ધા અને કાલિયાવાડી નજીક એક યુવાને જીવ ગુમાવ્‍યા

રખડતા ઢોરોની સમસ્‍યાના નિરાકરણ માટે કોઇ નક્કર પગલા ન લેવાતા તંત્ર સામે લોકોનો રોષ

નવસારીઃ નવસારી શહેરમાં રખડતા ઢોરના ત્રાસને લઇ શાક માર્કેટમાં એક વૃદ્ધા તથા એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્‍યો છે. અડીંગો જમાવી રખડતા ઢોરનો ત્રાસ વધતા પાલિકા સામે કોર્ટ ફરિયાદ થયા બાદ પાલિકાના સીઓ તથા કારોબારી પ્રમુખ સામે પોલીસ ફરિયાદ થઇ છે. તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા ન લેવાતા શહેરીજનોમાં રોષ ફાટી નિકળ્‍યો છે.

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. શહેરના સાંકડા રસ્તા પર અડીંગો જમાવીને બેસી રહેતા ઢોર વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી કરે છે. જ્યારે રસ્તા ઉપર અલમસ્ત થઈને ફરતા ઢોરો ઘણીવાર લોકોને ગંભીરબ્રિટ ઘાયલ પણ કરે છે. તેમ છતાં પાલિકા દ્વારા રખડતા ઢોરોની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં ન લેવાતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નવસારી-વિજલપોર શહેરમાં વર્ષોથી રખડતા ઢોરોની સમસ્યા છે. ગાયકવાડી રાજના સાંકડા રસ્તાઓ પર અડીંગો જમાવી બેસી રહેતા કે, ગલીઓમાં ફરતા રહેતા ઢોરને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. જેમાં પણ અલમસ્ત આખલાઓની લડાઈમાં રસ્તા પર વાહનો કે દુકાનદારોને નુકશાની વેઠવી પડે છે. ઘણીવાર ઢોરોની લડાઈમાં ઘણા લોકો ઘાયલ થયા છે. જ્યારે શહેરના શાક માર્કેટમાં વૃદ્ધાએ અને કાલિયાવાડી નજીક એક યુવાને જીવ પણ ગુમાવવો પડ્યો હતો. ઘણા લોકો ગંભીર રીતે ઘવાતા એમની જિંદગી મુશ્કેલ રૂપ બની છે. જેમાં પાલિકા સામે કોર્ટ ફરિયાદ થયા બાદ પાલિકાના તત્કાલીન સીઓ અને કારોબારી પ્રમુખ સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે. તેમ છતાં પાલિકાના શાસકો નવસારીને ઢોરમુક્ત બનાવી શક્યા નથી. ત્યારે ઢોર પકડવાની કામગીરી કોઈ ઘાયલ થવાની માહિતી મળે પછી કરાતી હોવાની અને પછી કાગળ પર જ કામગીરી રહેતી હોવાના આક્ષેપ વિપક્ષ લગાવી રહ્યો છે.

શહેરમાં રખડતા ઢોર મુદ્દે પોલીસ ફરિયાદ થયા બાદ નવસારી-વિજલપોર પાલિકા હરકતમાં આવી છે. જેમાં ગત વર્ષે શહેરમાંથી 800 ઢોર પકડી પાંજરાપોળ મોકલ્યા હતા, જ્યારે આ વર્ષે અંદાજે 400 ઢોર પકડ્યા છે. તેમ છતાં રસ્તાઓ પર રખડતા ઢોર જોવા મળે છે. બીજી તરફ ખડસુપાના પાંજરાપોળમાં પણ ઢોર રાખવાની જગ્યા ખૂટી પડી છે. ત્યારે પાલિકાએ સરકારમાંથી જલાલપોર તાલુકાના આટ ગામે 15 વીઘા જમીનની માંગણી કરી છે. જો પાલિકાને સરકાર દ્વારા જમીન ફાળવી આપવામાં આવે, તો 4 હજાર ઢોર રાખી શકાય, એટલું વિશાળ પાંજરાપોળ બનાવવાની યોજના ઘડી કાઢી, ઢોરમુક્ત નવસારી બનાવવાની આશા સેવાઇ રહી છે. સાથે જ શહેરમાંથી પકડાતા પાલતુ ઢોરના માલિક પાસે બીજીવાર ન પકડાય એની બાંહેધરી લખાવી, અને જો પકડાય તો કાયદાકિય પગલાં લેવાની તૈયારી કરી છે. નવસારી શહેરમાં રખડતા ઢોર મુદ્દે શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ પણ પાલિકાને રખડતા ઢોર મુદ્દે સહયોગ આપવાની તૈયારી પણ દર્શાવી હતી. જ્યારે પરંતુ શહેરમાં રખડતા ઢોરોની સંખ્યા ઓછી ન થતા નાગરિકોએ તકલીફ વેઠવી રહી.

(5:11 pm IST)