Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ઉડતા ગુજરાતઃ મામલતદાર કચેરી બહાર જ ખુલ્લેઆમ વહેચાતા ડ્રગ્‍સના રેકેટનો પર્દાફાશ કરતી એસઓજી ક્રાઇમ

અમદાવાદના શખ્‍સને પોલીસે 2.85 લાખના એમ.ડી. ડ્રગ્‍સ સાથે ઝડપી પાડયોઃ આરોપી રાજા નામના પેડલર પાસેથી લેતો માલ

અમદાવાદઃ અમદાવાદમાં ડ્રગ્‍સનું વેંચાણ શેરીઓ-ગલીઓમાં તો થાય જ છે પરંતુ સાથે સાથે સરકારી કચેરીઓને બહાર પણ આવા નશાનો કારોબાર કરતા શખ્‍સો પોતાનો ધંધો વધારવા માંડયા છે. આવા જ એક શખ્‍સને અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમે ઝડપી પાડયો છે. વેજલપુર મામલતદાર કચેરી ખાતે ડ્રગ્‍સ વહેચાતુ હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. ક્રાઇમે દરોડો પાડી એક શખ્‍સને 2.85 લાખના એમ.ડી. ડ્રગસ સાથે ઝડપી પાડયો છે.

નશો કરવાના આદી બનેલા શખ્સે જ નશાનો વેપાર શરૂ કરી દીધો. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી આવા જ એક આરોપીની SOG ક્રાઇમેં ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલર પાસેથી લાખો રૂપિયાના MD ડ્રગ્સનો જથ્થો ઝપ્ત કરવામાં આવ્યો. પકડાયેલ આરોપી અમદાવાદના રાજા નામના પેડલર પાસેથી ડ્રગ્સનો જથ્થો લેતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ કસ્ટડીમાં રહેલ સોહિલ ચૌહાણને SOG ક્રાઈમે ₹2.85 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. SOGએ બાતમી મળી હતી કે, વેજલપુર મામલતદાર કચેરી પાસે MD ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે SOG વોચ ગોઠવીને આરોપી સોહિલ ચૌહાણને MD ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો. અમદાવાદના રાજા નામના પેડલર પાસેથી આ સોહિલ ડ્રગ્સ લાવતો હોવાનું પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે. પકડાયેલ આરોપી અને ડ્રગ્સ પેડલર સોહિલ ચૌહાણ પહેલા સિફા હોસ્પિટલમાં નોકરી કરતો અને અન્ય એક મેડિકલ સ્ટોરમાં નોકરી કરી ચુકેલો છે.

ત્યાંથી તે કફ સીરપ જેવા નશાના રવાડે ચઢ્યો હતો. તેવામાં સોહિલ રાજા નામના પેડલરના સંપર્કમાં આવતા જ રાજા પાસેથી સોહિલ ડ્રગ્સનો જથ્થો લાવી અને છૂટકમાં વેચાણ કરતો હતો. જેમાં એક પડીકીના 1500 થી 2000 રૂપિયામાં ડ્રગ્સની પડીકીઓ વેચતો હતો. જો કે આરોપી સોહિલ જુહાપુરા, સરખેજ અને વેજલપુરની ચ્હાની કીટલીઓ પર ડ્રગ્સની પડીકી વેચતો હતો. આરોપી સોહિલ પણ ડ્રગ્સનો બંધાણી છે. જેથી પોતાને ડ્રગ્સ પીવા પૈસા ન હોવાથી ડ્રગ્સ લાવી અને વેચતો અને પોતે પણ ડ્રગ્સનો નશો કરતો હતો. MD ડ્રગ્સના નેટવર્કમાં રાજા નામના શખ્સનું નામ સામે આવ્યું છે જેને પગલે SOGની ટીમે રાજા નામના પેડલરની શોધખોળ હાથ ધરી છે.

(5:09 pm IST)