Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

નાના ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે નરેન્‍દ્રભાઇ મોદીએ મધમાખી પાલકો માટે રૂા. ૫૦૦ કરોડનું પ્રાવધાન કર્યું છે : નરેન્‍દ્રસિંહ તોમર

મધમાખી ઉછેરને પ્રોત્‍સાહન આપીને દેશના નાના ખેડૂતોને મહત્તમ લાભ મળી રહે તે માટે દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્‍વ હેઠળ કેન્‍દ્ર સરકાર પ્રતિબધ્‍ધ - કેન્‍દ્રીય મંત્રી : ગુજરાતના એકતા નગર ટેન્‍ટ સિટી-૨ ખાતે કેન્‍દ્રિય કૃષિ મંત્રી નરેન્‍દ્રસિંહ તોમરના અધ્‍યક્ષસ્‍થાને ‘વિશ્વ મધમાખી દિવસ'નો રાષ્‍ટ્રીય કાર્યક્રમ યોજાયો : રાજ્‍યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની ઉપસ્‍થિતિ : દેશના પાંચ રાજ્‍યોમાં સાત સ્‍થળોએ મધ ટેસ્‍ટીંગ લેબ અને પ્રોસેસિંગ યુનિટનું વર્ચ્‍યુઅલ માધ્‍યમથી ઉદ્‌ઘાટન કરતા કેન્‍દ્રિય કૃષિ મંત્રી

રાજકોટ તા.૨૧ : કેન્‍દ્રીય કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રાલય દ્વારા રાજયના નર્મદા જિલ્લામાં એકતાનગર, ટેન્‍ટ સિટી-૨ ખાતે કેન્‍દ્રીય કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રીશ્રી નરેન્‍દ્રસિંહ તોમરના અધ્‍યક્ષપદે અને કેન્‍દ્રીય કૃષિ અને ખેડૂત કલ્‍યાણ રાજય મંત્રી કૈલાશ ચૌધરી અને ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં ‘વિશ્વ મધમાખી દિવસ' ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્‍ય દ્વારા ખૂલ્લો મુક્‍યો હતો.

કેન્‍દ્રીય કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રીશ્રી નરેન્‍દ્રસિંહ તોમરે જણાવ્‍યું હતું કે, સંયુક્‍ત રાષ્ટ્ર મહાસભાએ ૨૦ મે, ને વિશ્વ મધમાખી દિવસ તરીકે જાહેર કર્યો છે. ત્‍યારે આ ક્ષેત્રમાં મધમાખી ઉછેરને પ્રોત્‍સાહન આપીને દેશના નાના ખેડૂતોને મહત્તમ લાભ મળી રહે તે માટે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્‍વ હેઠળ કેન્‍દ્ર સરકાર પ્રતિબધ્‍ધ હોવાનું કેન્‍દ્રિય મંત્રીશ્રી તોમરે જણાવ્‍યું હતું.

દેશના પાંચ રાજયોમાં સાત સ્‍થળોએ મધ ટેસ્‍ટિંગ લેબ અને પ્રોસેસિંગ યુનિટનું ઉદધાટન કર્યું છે. મધઉછેર પર સરકાર વધુ ભાર મુકી રહી છે ત્‍યારે નાના ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મધુમાખી પાલકો માટે રૂા.૫૦૦ કરોડનું પ્રાવધાન કર્યું છે. આ ફંડ દ્વારા આણંદ, દિલ્‍હી અને બંગ્‍લોર ખાતે વિશ્વ સ્‍તરની ૩ લેબોરેટરી પણ કાર્યરત કરવામાં આવી છે. ૫ રિઝિયોનલ અને ૧૦૦ થી વધુ ટેસ્‍ટીંગ લેબો બનાવામાં આવી હોવાથી હવે મધુમાખી પાલકો સમયસર મધનું ટેસ્‍ટ કરાવી શકશે તેમ જણાવ્‍યું હતું. મધની ટેસ્‍ટીંગ સુવિધા ઉભી થવાથી હવે તેની ગુણવત્તા પણ જળવાઇ રહેશે અને વધુ ઉત્‍પાદન થકી વધુ આવક મેળવી શકશે તેવો દ્રઢ વિશ્વાસ કેન્‍દ્રિય મંત્રીશ્રી તોમરે વ્‍યકત કર્યો હતો.

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વ હેઠળ કેન્‍દ્ર અને રાજય સરકારે કૃષિક્ષેત્રે આગવી સિધ્‍ધી હાંસલ કરી છે. નરેન્‍દ્રભાઇ મોદીએ મધમાખી ઉછેરને પ્રોત્‍સાહન આપીને દેશના ખેડૂતોને ઘર આંગણે જ રોજગારી મળી રહે તે માટે જનકલ્‍યાણલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે તેનો સરળતાથી લાભ લઈને બમણી આવક મેળવીને ખેડૂતો આત્‍મનિર્ભર બનશે તેવી પ્રતિબધ્‍ધતા શ્રી પટેલે વ્‍યક્‍ત કરી હતી.

મધુપાલકોને ક્ષમતાવર્ધન-દિશાનિર્દોશોની સાથે શિક્ષા-પ્રશિક્ષણથી તાલીમબદ્ધ કરીને તેમણે ઉત્‍પાદન કરેલ મધ થકી સારી આવક મેળવે તે દિશાના પ્રયાસો પણ સરકારશ્રી દ્વારા હાથ ધરાયા છે. દેશના ખેડૂતો મધપાલનના વ્‍યવસાય સાથે સંકળાઈને પ્રગતિ સાધવા ઉપરાંત રાજયના વલસાડ, નવસારી, ડાંગ અને નર્મદા જિલ્લાના ખેડૂતો આ વ્‍યવસાય સાથે સંકળાઈને સારી ઉપજ મેળવી રહ્યાં હોવાનું શ્રી પટેલે જણાવ્‍યું હતું. વર્ષ ૨૦૨૨-૨૩ માં મધમાખી ઉછેર કરનારા હિતધારકો વધુ રોજગારી મેળવે તે માટે સરકારશ્રીએ ૧૦ કરોડની માતબર રકમ ફાળવીને ૧૦ હજાર ખેડૂતોને લાભાન્‍વિત કરાશે આ સાથે દેશમાં હરિત ક્રાંતિક્ષેત્રે વધુ એક આગવી સિધ્‍ધિ હાંસલ થશે તેવો આશાવાદ શ્રી પટેલે વ્‍યક્‍ત કર્યો હતો.

કેન્‍દ્રીય મંત્રીશ્રી તોમરના હસ્‍તે વર્ચ્‍યુઅલ માધ્‍યમથી ગુજરાતમાંથી જમ્‍મુ કશ્‍મીરમાં પુલવામા, બાંદીપોરા, કર્ણાટકના તુમકુર, ઉત્તર પ્રદેશના સહારનપુર તથા પૂણે અને ઉત્તરાખંડ ખાતે સ્‍થાપિત મધ ટેસ્‍ટિંગ લેબનું પાંચ રાજયોમાં સાત સ્‍થળોએ મધ ટેસ્‍ટિંગ લેબ અને પ્રોસેસિંગ યુનિટનું ઉદ્‌ઘાટન પણ કરાયું હતું. આ પ્રસંગે કેન્‍દ્રીય મંત્રી શ્રી તોમર અને ગુજરાતના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્‍તે મીઠી ક્રાંતિ અને મધમાખી પાલન પુસ્‍તકનું વિમોચન પણ કરાયું હતું.

કેન્‍દ્રીય મંત્રીશ્રી તોમરે જમ્‍મુ, સહરાનપુર, પુલવા, ઉતરાખંડ, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજયોના મધમાખી ઉછેરકારો સાથે વર્ચ્‍યુઅલી અને મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે બનાસકાંઠાના શ્રી રાણાભાઈ પટેલ, ચીખલીના સુશ્રી અસ્‍મિતાબેન સહિત વિવિધ મધમાખી ઉછેરકારો સાથે સંવેદનાસભર સંવાદ સાધ્‍યો હતો.

આ પ્રસંગે મધમાખી ઉછેર કરનારાઓમાં મધમાખી ઉછેરના વૈજ્ઞાનિક જ્ઞાનને વધારવા માટે ‘ઉત્‍પાદન ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ઢબે મધમાખી ઉછેરનું સંશોધન અને વિકાસ - અનુભવની વહેંચણી અને પડકારો' અને ‘માર્કેટિંગના પડકારો અને ઉકેલો (ઘરેલું/વૈશ્વિક)' પર ચર્ચા અને તકનીકી સત્રોની સાથે નાગરિકોને સ્‍વસ્‍થ રાખવા અને આ વિષયના વિવિધ પડકારોનો ઉકેલ લાવવામાં મધમાખીઓ અને અન્‍ય પરાગ રજકોની ભૂમિકા મહત્‍વની છે. તે વિશે જાગૃતિ લાવવા માટે વિચારોનું આદાનપ્રદાન કરાયું હતું.

કાર્યક્રમના પ્રારંભે શ્રી નરસિંહ તોમરે મધમાખી ઉછેર ક્ષેત્રની વિવિધ જાતો અને ઉત્‍પાદનોને પ્રદર્શિત કરવા માટે મધમાખી ઉછેર કરનારાઓ, પ્રોસેસર્સ અને મધમાખી ઉછેર ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ હિતધારકો દ્વારા સ્‍ટોલ સાથેનું પ્રદર્શન યોજવામાં આવેલ તેને રિબીન કાપીને ખૂલ્લો મુક્‍યો હતો અને ઉપલબ્‍ધ કરાયેલ વિવિધ સ્‍ટોલ્‍સની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. મધુક્રાંતિ પોર્ટલ માટેની અમલીકરણ એજન્‍સી ઇન્‍ડિયન બેંક દ્વારા મધમાખી ઉછેર કરનારાઓની આજીવન નોંધણી અભિયાન હેઠળ ખાસ એક સ્‍ટોલ પણ ઉભો કરવામાં આવ્‍યો હતો.

(11:09 am IST)