Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

લોકો શિક્ષાપત્રી પ્રમાણે આજ્ઞાઓનું પાલન કરે તો પોલીસ અને કોર્ટની જરૂર નહિઃ રાજનાથસિંહ

વડોદરા કારેલીબાગ સ્‍વામિનારાયણ મંદિરના જ્ઞાનયજ્ઞમાં સંરક્ષણ મંત્રીની હાજરી

વડોદરાના કારેલીબાગ સ્‍વામિનારાયણ મંદિર ખાતે શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામીએ કેન્‍દ્રિય મંત્રી શ્રી રાજનાથસિંહનું સન્‍માન કરેલ તે પ્રસંગની તસ્‍વીરમાં સાથે રાજયના મહેસુલ મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી  પણ ઉપસ્‍થિત છે. બીજી તસ્‍વીર કેન્‍દ્રિય મંત્રીના ઉદબોધન વખતની છે

વડોદરા, તા.૨૧: વડોદરા, કારેલીબાગ સ્‍વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા સપ્તદિનાત્‍મક જ્ઞાનયજ્ઞમાં ગઇકાલે પાંચમા દિવસે દેશના સંરક્ષણ મંત્રી શ્રીરાજનાથસિંહ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે પ્રવચનમાં જણાવ્‍યું હતું કે ભારત દેશ વિશ્વ નેતૃત્‍વ માટે ઝડપથી આગળ વધી રહ્યો છે. ગુજરાતે દેશને એક સફળ નેતૃત્‍વ આપ્‍યું છે. અને હવે આવનારો સમય ભારત દેશનો હશે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ન્‍યુ ઇન્‍ડિયાનું આહવાન કર્યું છે ત્‍યારે એક વાત સ્‍પષ્ટ છે કે ભારત અપાર સંભાવનાઓનો દેશ છે. આ સમયમાં આપણે જુના ભારતને ભૂલવાનો નથી. જુના ભારતમાંથી પ્રેરણા લેવાની છે.

અધ્‍યાત્‍મની વ્‍યાખ્‍યા કરતા તેમણે કહ્યું હતું કે કામ, ક્રોધ અને લોભથી ઉપર ઊઠવું તેને અધ્‍યાત્‍મ કહે છે. આપણે મોટા મનની ભાવના કેળવવી જોઇએ મોટા મનની ભાવના આજે હું અહીં સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં જોઈ રહ્યો છું. સમાજ અને રાષ્ટ્રની સેવા અહમને સમાપ્ત કર્યા વિના થઇ શકતી નથી તે માત્ર દેખાડો હોય છે. સેવાની સાચી ઓળખ મને સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં જણાય છે. વસુધૈવ કુટુંબકમનો સંદેશો સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભારતની ભૂમિ પરથી ગયો છે. ભારતના ઋષિ-મુનિઓએ માત્ર ભારતની ભૂમિને જ પરિવાર નથી માન્‍યો પણ સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માન્‍યો છે. આસ્‍થા-વિશ્વાસથી પરમાત્‍માની પ્રાપ્તિ થઇ શકે છે. તમે સ્‍વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છો માટે સંપ્રદાયમાંથી આસ્‍થા અને વિશ્વાસને ક્‍યારેય તૂટવા દેશો નહિ. આસ્‍થા વિશ્વાસમાં જ સમસ્‍યાઓનું સમાધાન છે.

ભગવાન સ્‍વામિનારાયણની શિક્ષાપત્રી અંગે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરતા તેમણે કહ્યું હતું કે જો શિક્ષાપત્રી પ્રમાણે લોકો આજ્ઞાઓનું પાલન કરશે તો દેશમાં પોલીસ અને અદાલતોની જરૂર નથી.

કારેલીબાગ સ્‍વામિનારાયણ મંદિરના વડા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામીએ શ્રી રાજનાથસિંહને આવકારી આશીર્વાદ આપ્‍યા હતા. સંસ્‍થામાં હાલ શિબીરમાં સેંકડો યુવાનો ભાગ લઇ રહ્યા છે

(11:01 am IST)