Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ભાજપ માટેના 'મોડેલ' સ્ટેટ ગુજરાતનું પરિણામ સર્વાધિક મહિમાવંતુ

ઇતની શકિત ઉન્હે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના.. : દેશનું પરિણામ ગમે તે આવે, મોદી-શાહની હોમ પીચ પર ફરી તમામ ર૬ બેઠકો પર કમળ ખીલે તો ભાજપનો વટ અકબંધઃ ૪થી વધુ બેઠકોનું નુકશાન જાય તો રાજકીય નવાજુની

રાજકોટ, તા., ૨૧:  દેશની લોકસભાની ચુંટણીના પરીણામ આડે આવતીકાલનો એક દિવસ બાકી રહયો છે. તા.ર૩મીએ ગુરૂવારે ભારતની લોકશાહીના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાશે. બહુ ગાજેલી ચુંટણીનું તે દિવસે પરીણામ છે. દેશનું પરીણામ ગમે તે આવે પરંતુ ભાજપ માટે મોડેલ સ્ટેટ ગણાયેલા ગુજરાતનું પરીણામ સર્વાધિક મહિમાવંતુ ગણાય છે. સંસદની બેઠકોની સંખ્યાની દ્રષ્ટિએ ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વિગેરે મોટા છે પરંતુ દેશના પરીણામ સાથે ગુજરાતની ર૬ બેઠકોનું પરીણામ સરખાવી શકાય નહિ. ગુજરાતનું પરીણામ રાજકીય ક્ષેત્રે નવો સંદેશ આપશે.

ગુજરાતમાં લગભગ અઢી દાયકાથી ભાજપનું શાસન છે. નરેન્દ્રભાઇ મોદી ગુજરાતથી જ દિલ્હી પહોંચ્યા છે. ગુજરાત વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે. ગઇ લોકસભાની ચુંટણી વખતે તમામ ર૬ બેઠકો  ભાજપને મળી હતી. આ વખતે પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહ પણ ગુજરાતથી લડયા છે. મોદી-શાહની હોમ પીચ ગણાતા ગુજરાતના પરીણામ તરફ સમગ્ર દેશની નજર ખેંચાશે.

ભાજપના દાવા મુજબ જો તમામ ર૬ બેઠકો ફરી ભાજપને જ મળે તો ગુજરાતમાં ભાજપનો વટ અકબંધ રહેશે. એક જ પક્ષને સતત બીજી વખત તમામ બેઠકો મળ્યાનો નવો ઇતિહાસ સર્જાશે. એકઝીટ પોલના તારણ ભાજપને રર થી ર૬ બેઠકો મળવાનું સુચવે છે. જો ભાજપને ગુજરાતમાં ૪ થી વધુ બેઠકોનું નુકશાન થાય તો તે નુકશાન નોંધપાત્ર ગણાશે અને તેના કારણે રાજયમાં રાજકીય નવાજુનીના દરવાજા ખુલશે. એકઝીટ પોલ જાહેર થયા પછી પણ કોંગ્રેસ ગુજરાતમાં ૬ થી ૧ર બેઠકો મેળવવા માટે આશાવાદી છે.  અન્ય રાજયો કરતા ગુજરાતમાં ભાજપ માટે સારૂ પરીણામ આવવું જોઇએ તેવી અપેક્ષા સ્વભાવિક છે.  વિધાનસભાની ર૦૧૭ની ચુંટણીમાં ભાજપને ૧પ૦ બેઠકોના દાવા સામે ૯૯ બેઠકો મળી હતી. કોંગ્રેસ ૭૭ બેઠકો સુધી પહોંચી ગઇ હતી. ત્યાર પછી રાજયવ્યાપી પ્રથમ વખત જનાદેશ માંગવામાં આવ્યો છે. ધારાસભા અને લોકસભાની ચુંટણીમાં મુદ્દા અને માહોલ અલગ હોય છે તેથી ગુજરાતનું પરીણામ વિશેષ રસપ્રદ અને ધ્યાનાકર્ષક બનશે.

(11:55 am IST)