Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

વાજપેયી સરકાર વખતે પણ પોલ ખોટા સાબિત થયા હતા

એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે : અમિત ચાવડા : એક્ઝિટ પોલ ગમે તે કહે પરંતુ કોંગ્રેસને હજુ તેમની સરકાર કેન્દ્રમાં બનવાની આશા : સારા દેખાવને લઈને હજુ આશા

અમદાવાદ,તા. ૨૦ :    વડોદરા મહાનગર સેવા સદનના કાઉન્સિલર જીતેન્દ્ર ઠાકોરના બેસણાંમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરત સોલંકી સહિતના કોંગ્રેસના આગેવાનો આજે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં આવેલા તમામ એક્ઝિટ પોલને લઇ પૂછાયેલા પ્રશ્નની પ્રતિક્રિયા આપતાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ દાવો કર્યો હતો કે, તમામ એકઝીટ પોલીસ તા.૨૩મેના રોજ ખોટા સાબિત થશે અને કેન્દ્રમાં યુ.પી.એ. સરકાર બનશે. વાજપેયીની સરકાર વખતે પણ એકઝીટ પોલ ખોટા પડયા હતા, તેથી તેને કંઇ સાચા માની લેવાની જરૂર નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીના આવી રહેલા તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે અને કેન્દ્રમાં કોંગ્રેસ બહુમતી સાથે સરકાર બનાવશે. ગુજરાતમાં પણ ૧૦થી વધુ સીટો આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકાર પાણી અને ઘાસની અછત પૂરી કરવામાં નિષ્ફળ ગઇ છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસના અગ્રણીઓ સમગ્ર રાજ્યમાં પાણી અને ઘાસચારાની અછત અંગે સર્વે કરી રહ્યા છે. જો સરકાર વહેલી તકે પાણી-ઘાસચારાનો પ્રશ્ન હલ નહીં કરે તો કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે. દરમ્યાન પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં એન.ડી.એ. તરફી આવી રહેલા તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. અટલ બિહારી વાજપાઇની સરકાર સમયે એક્ઝિટ પોલ ખાટા સાબિત થયા હતા. છેલ્લા ૫ાંચ વર્ષમાં તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી ભાજપા સરકાર વિરૂધ્ધ લોકોએ મતદાન કર્યું છે. ગુજરાતમાં પણ ૨૬ માંથી ૧૪થી વધુ સીટો કોંગ્રેસની આવશે અને કોંગ્રેસની બહુમતી આવશે. અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીએ સ્વ.જીતેન્દ્ર ઠાકોર અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઠાકોર પરિવાર સામાજીક સેવા કરવામાં વર્ષોથી આગળ રહ્યું છે. પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે રહીને સમાજની સેવા કરી છે.

        જીતુભાઇ ઠાકોરના પરિવારને ભગવાન આવી પડેલું દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.

(7:36 pm IST)