Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

અનેક સેલિબ્રીટી કલાકારો ગરીબ બાળકો માટે રમ્યા

ઉડાન ફાઉન્ડેશન ગુજરાત સેલીબ્રીટી ક્રિકેટ મેચઃ ક્રિકેટ મેચ અને લાઇવ કોન્સર્ટ થકી જે પણ ભંડોળ એકત્ર થયું તે ગરીબ બાળકોના ઉત્કર્ષ માટે ડોનેટ-ચેરિટી કરાયું

અમદાવાદ,તા. ૨૧: સમાજના ગરીબ અને નબળા વર્ગના બાળકોને શિક્ષણ, કૌશલ્ય વર્ધન અને તાલીમના ઉમદા આશય સાથે ઉડાન ફાઉન્ડેશન દ્વારા પ્રારંભ પબ્લીક રીલેશન્સના સહયોગથી અમદાવાદ શહેરમાં અનોખી ગુજરાત સેલીબ્રીટી ક્રિકેટ મેચ(જીસીસીએમ-૨) નું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ગુજરાતના જાણીતા સેલીબ્રીટી એક્ટર,સિંગર,ડિરેક્ટર અને કોમેડીયન સહિતના લોકો ગરીબ બાળકોના ઉત્કર્ષ માટે ક્રિકેટ મેચ રમ્યા હતા અને આ સોશ્યલ ઇવેન્ટનો હિસ્સો બન્યા હતા. શહેરના ઉમિયા ફાર્મ ખાતે રમાયેલી ગુજરાત સેલિબ્રીટી ક્રિકેટ મેચ દરમ્યાન જાણીતા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલના લાઈવ કોન્સર્ટનું પણ આયોજન કરાયું હતું. આ લાઈવ કોન્સર્ટ અને ક્રિકેટ મેચ થકી જે પણ ફંડ ભેગું થયું તે ગરીબ બાળકો માટે ડોનેટ કરવામાં આવ્યું હતું. ચેરિટી કરવામાં આવ્યું હતું. આ મેચ માં રંગીલા રોકસ્ટારનો વિજય થયો હતો અને મીત જૈનને મેન ઓફ ધ મેચનો ખિતાબ અપાયો હતો. દરમ્યાન ઉડાન ફાઉન્ડેેશનના ફાઉન્ડર રાહુલ પટેલે જણાવ્યું હતું કે, "ગયા વર્ષે અમે ગરીબ બાળકો માટે જે પગથિયુ નામની આર્ટ ઓફ પરર્ફોમિંગ માટે શાળાની શરૂઆત કરી હતી તે શાળામાં આ બધું ફંડ ઉમેરવામાં આવશે જેથી બાળકોને વધુ સારું શિક્ષણ મળી શકશે. બાળકોને શિક્ષણની સાથે સાથે હવે સ્કીલ ડેવલપમેન્ટનો જમાનો છે તો, તેઓને કૌશલ્યવર્ધન અને તેની તાલીમ તેમ જ તેમની પ્રતિભાને નિખારતું પ્લેટફોર્મ પૂરું પાડવાની અમારી યોજના છે. આ વખતે અમારી સાથે બૉલીવુડના કલાકારો-સેલિબ્રીટી પણ જોડાયા એ અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. આ શાળામાં અમે બાળકોને ડાન્સ,સિગિંગ,કોમેડી, એક્ટિંગ જેવી અનેક પ્રવૃત્તિઓ શીખવાડીએ છીએ. પગથિયુ શાળા ખાતે બાળકોને ગુજરાતના બધા જ  નિષ્ણાત તજજ્ઞો દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવશે. આ સામાજિક સેવાની પ્રવૃત્તિમાં જાણીતા કલાકારો અરવિંદ વેગડા, પાર્થીવ ગોહીલ, મયુર ચૌહાણ, ઈશાન રાંદેરિયા જેવા અનેક લોકો ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ પૂરું પાડવામાં સહયોગ આપી રહ્યા છે. ફિલ્મ કલાકારો અને સેલિબ્રિટીઝની આ ક્રિકેટ મેચ માં બે ટીમો પાડવામાં આવી હતી. જેમાં રંગીલા રોકસ્ટારમાં ડી આઈ ડી ફેમ-પ્રિન્સ ગુપ્તા, નીતિન જાની, મીત જૈન, તેનાલી રમન ફેમ - ક્રિષ્ના ભારદ્વાજ, ઉડાન-સ્થાપક રાહુલ પટેલ, મયુર ચૌહાણ, અભિષેક શાહ, યતીન પરમાર, હેતલ ઠક્કર, સૌરભ રાજ્યગુરુ અને પ્રેમ ગઢવીનો સમાવેશ થતો હતો, જ્યારે સુપરસ્ટાર ખેલૈયા ટીમમાં આર જે આયુષ, ખજૂર ના અભિનેતા- તરુણ જાની, રામલીલા ફિલ્મ ફેમ - ભરત ચાવડા, પીકે અને પા ફિલ્મમાં કામ કરનાર - સચિન પરીખ, વિકાસ વર્મા, સરસ્વતીચંદ્ર સિરિયલનો અભિનેતા - અંશુલ, બૉલીવુડ ગીતકાર- દિવ્યા કુમાર, ગોલમાલ ફિલ્મ ફેમ અભિનેતા - વ્રજેશ હીરજી, અરવિંદ વેગડા, ઈશાન રાંદેરિયા અને આલાપનો સમાવેશ થતો હતો. બંને ટીમો વચ્ચે રસપ્રદ મેચ યોજાઇ હતી, જેમાં આખરે રંગીલા રોકસ્ટારે સુપરસ્ટાર ખેલૈયા ટીમને હાર આપી હતી અને ભવ્ય વિજય મેળવ્યો હતો. મેચ દરમ્યાન પાર્થિવ ગોહિલના લાઇવ કોન્સર્ટે પણ રંગત જમાવી હતી.

(9:50 pm IST)