Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

મૂકબધિર મહિલા પર દુષ્કર્મ કેસમાં કલાર્કને ૧૦ વર્ષ કેદ

ડીએનએ ટેસ્ટના આધારે સેશન્સ કોર્ટે સજા ફટકારીઃ કોર્ટે આરોપીને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો: દંડની રકમ ભોગ બનેલી પીડિતાને ચૂકવી આપવા કોર્ટની તાકીદ

અમદાવાદ,તા. ૨૧: શહેરના પાલડી વિકાસ ગૃહમાં મૂક બધિર મહિલા સાથે દુષ્કર્મ ગુજારવાના ચકચાભર્યા કેસમાં ખુદ વિકાસગૃહના કલાર્ક અમૃત પટેલને આજે અત્રેની સેશન્સ કોર્ટે દસ વર્ષની સખત કેદ અને એક લાખ રૂપિયાના દંડ ફટકારતો મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. સેશન્સ કોર્ટે આરોપી અમૃત પટેલ દ્વારા દંડની જે રકમ ભરાય તે પીડિતાને વળતર પેટે આપવા પણ હુકમ કર્યો હતો. સેશન્સ કોર્ટે તેના ચુકાદામાં પાલડી વિકાસ ગૃહના આરોપી કલાર્ક અમૃત પટેલના અત્યંત ઘૃણાસ્પદ અને હીન કૃત્યની ભારોભાર આલોચના કરી હતી અને જણાવ્યું હતું કે, પીડિતા મૂકબધિર હોવાછતાં આરોપીએ આ પ્રકારનું અમાનવીય અને નાલેશીભર્યુ કૃત્ય આચર્યું તે ઘણું ગંભીર અને અક્ષમ્ય છે, તેથી આરોપીને આકરી સજા ફટકારવી જ ન્યાયોચિત લેખાશે. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, ૨૦૧૬માં શહેરના પાલડી વિકાસ ગૃહના કલાર્ક અમૃત પટેલ(ઉ.વ.૫૬) દ્વારા મૂક બધિર મહિલા પર દુષ્કર્મ ગુજારી તેને પોતાની હવસનો શિકાર બનાવવામાં આવી હતી. આરોપીના કૃત્યનો પર્દાફાશ ત્યારે થયો હતો કે, જયારે આ મૂકબધિર મહિલા ગર્ભવતી બની હતી. પાલડી વિકાસ ગૃહ સત્તાવાળાઓ દ્વારા જયારે પીડિત મહિલાની તબીબી તપાસ કરાવવામાં આવી તો તેણીને ૨૦ સપ્તાહનો ગર્ભ હતો. આ કેસમાં પોલીસે આરોપી કલાર્ક અમૃત પટેલની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં તેણે મૂકબધિર મહિલાને દુષ્કર્મનો ભોગ બનાવી હોવાની કબૂલાત પણ કરી હતી. સપ્ટેમ્બર-૨૦૧૪માં આ મૂકબધિર મહિલા ગાયકવાડ હવેલી પોલીસને રસ્તા પર રખડતી હાલતમાં મળી આવી હતી અને બાદમાં તેને સલામતીના કારણોસર પાલડી વિકાસ ગૃહમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલીસે આરોપી કલાર્ક અમૃત પટેલ વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કર્યું હતું, જે અંગેનો ટ્રાયલ ચાલી જતાં સરકારપક્ષ તરફથી રજૂઆત કરાઇ હતી કે, સમાજમાં દુષ્કર્મના કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જાય છે અને આવા નરાધમ આરોપીઓ દ્વારા પોતાની હવસ સંતોષવા નિર્દોષ મહિલાઓ-યુવતીઓને શિકાર બનાવાઇ રહી છે ત્યારે કોર્ટે આવા ગુનાઓને સહેજપણ હળવાશથી લેવા જોઇએ નહી. પ્રસ્તુત કેસમાં ભોગ બનનાર પીડિતા મૂકબધિર છે અને તેમછતાં આરોપીએ તેની લાચારી અને મજબૂરીનો ગેરલાભ ઉઠાવી તેને દુષ્કર્મનો ભોગ બનાવી છે. આ સંજોગોમાં કોર્ટે આરોપીને સબક સમાન સજા ફટકારવી જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી કલાર્ક અમૃત પટેલને દસ વર્ષની સખત કેદની આકરી સજા ફટકારી હતી. કોર્ટે ડીએનએ ટેસ્ટના પુરાવાને પણ માન્ય રાખ્યો હતો અને તેના આધારે આરોપીને સખત સજા ફટકારી હતી.

(9:46 pm IST)
  • પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત કૃષ્ણ મંદિરના નવીનીકરણ અને તે વિસ્તરણ કરવા માટે બે કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ જાણકારી 20 મેએ મીડિયાની એક રિપોર્ટમાં આપવામાં આવી હતી. રાવલપિંડી અને ઈસ્લામાબાદ શહેરોમાં માત્ર કૃષ્ણ મંદિર જ એકમાત્ર હિન્દુ મંદિર છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. મંદિરમાં રોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. access_time 6:19 am IST

  • લોકસભામાં ભાજપે પૂર્ણ બહુમતી ગુમાવી : સાથી પક્ષોના ભરોસે સરકારઃ ભાજપની ર૮ર બેઠકો હતી, ર૭૩ રહીઃ કર્ણાટકનું પ્રકરણ ભારે પડયુઃ યેદિયુરપ્પા અને રામુલુએ સંસદ સભ્યપદેથી રાજીનામા આપ્યા હતાઃ જો કે સરકાર પર કોઇ ખતરો નથી access_time 3:08 pm IST

  • આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસુ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં દસ્તક દેશે :વાવાઝોડું થંભી ગયું -ઓમાન અને યમન તરફ ફંટાયું :સાયક્લોનનું વલણ પણ બદલાઈ ગયું :ત્રણ-ચાર દિવસ વાવાઝોડાની શક્યતા નથી પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે access_time 8:15 pm IST