Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

સુરતના બે પિતરાઈઓને કેનેડાના વર્ક પરમીટ વિઝાની લાલચ આપીને 20 લાખની ઠગાઈ : આણંદમાં ચાર શખ્શો વિરુદ્ધ ગુન્હો

સુરતના બે પિતરાઈ ભાઈઓને કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાની લાલચ આપીને ૨૦ લાખ લઈને ઠગાઈ તેમજ વિશ્વાસઘાત કરતાં આ અંગે આણંદ શહેર પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

   મળતી વિગત મુજબ સુરતના નાના વરાછા રોડ પર રહેતા નિલેશકુમાર જયંતિલાલ ઝાલાવાડીયાને મુળ ખંભાતના પરંતુ મિત્રના સંબંધી એવા વિકીભાઈ મનહરભાઈ પટેલ સાથે ઓળખાણ થઈ હતી જેઓએ સપ્ટેમ્બર ૨૦૧૭માં મારો એક મિત્ર આણંદ ખાતે રહે છે તે વિદેશના વિઝા કરી આપે છે. તેમ જણાવીને મિતેષ રાજેશભાઈ પટેલ સાથે ઓળખાણ કરાવી હતી. મિતેશે પોતે કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાનું એજન્ટ તરીકેનું કામ કરે છે અને પોતાના મોબાઈલમાં અલગ-અલગ વ્યક્તિઓના વિદેશ મોકલેલા વર્ક ઓર્ડરના ફોટા બતાવ્યા હતા. જેથી નીલેશકુમાર વિશ્વાસમાં આવી જતાં તેમણે કેનેડા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

    તેમને બધા દસ્તાવેજો લઈને આણંદ સરકીટ હાઉસની સામે આવેલી જલારામ બીલ્ડીંગ ખાતે રહેતા મિતેષભાઈના ઘરે બોલાવ્યા હતા. જ્યાં દસ્તાવેજો ચેક કરીને તમોને કેનેડામાં માસિક ૨૫૦૦ ડોલરની નોકરી મળી જશે તે માટે ૧૦ લાખ રૂપિયા થશે. જેથી નીલેશકુમારે હા પાડતાં ટુકડે-ટુકડે થઈને કુલ ૧૦ લાખ રૂપિયા આરટીજીએસ, ચેક અને બેંક મારફતે ચુકવ્યા હતા. દરમ્યાન વડોદરા ખાતે મેડીકલ પણ કરાવ્યું હતુ. ત્યારબાદ પાસપોર્ટ લઈને ટુંક સમયમાં જ વીઝા આવી જશે તેમ જણાવ્યું હતુ.

  નીલેશકુમારને વિશ્વાસ બેસતા જ તેમણે પોતાના ફોઈના દિકરા કૃષ્ણકુમાર ઘનશ્યામભાઈ ધાનાણીને પણ તૈયાર કર્યા હતા જેમને કોમ્પ્યુટરની જોબ માટે ૩૫૦૦ ડોલરની નોકરી મળશે તેમ જણાવ્યું હતુ અને તેમના પણ ઓરીજનલ પાસપોર્ટ સહિતના દસ્તાવેજો તેમજ ૧૦ લાખ રૂપિયા લીઘા હતા. અને હું પણ કેનેડા આવું છે તેમ જણાવ્યું હતુ. ત્યારબાદ ૧૯-૧-૧૮ના રોજ પાર્ત રમેશભાઈ પટેલે દિલ્હીથી હોંગકોંગ અને હોંગકોંગથી ટોરેન્ટો કેનેડાની ટિકિટ વોટ્સઅપ પર મોકલી હતી. બાદમાં તેઓને દિલ્હી બોલાવ્યા હતા. જ્યાં મોડીરાત સુધી મીતેશ ના આવતાં તેઓએ અજીત નામના શખ્સનો સંપર્ક કર્યો હતો જેણે એમ જણાવ્યું હતુ કે મીતેષ દિલ્હી પોલીસના હાથે પકડાઈ ગયો છે અને પાસપોર્ટ તથા અન્ય દસ્તાવેજો પણ જપ્ત થઈ ગયા છે જેથી તમો કેનેડા જવાનું માંડી વાળી પરત જતા રહો. જો પાસપોર્ટ છોડાવવો હોય તો ૫૦-૫૦ હજાર રૂપિયામાં સેટીંગ કરવું પડશે તેમ જણાવ્યું હતુ. ત્યારબાદ વારેઘડીએ પૈસાની ઉઘરાણી કરતાં સંતોષકારક જવાબ મળ્યો નહોતો અને આપેલા તમામ ફોનો સ્વીચ ઓફ થઈ જવા પામ્યા હતા.

   જેથી નીલેશકુમારે આણંદ શહેર પોલીસ મથકે આવીને મીતેશભાઈ રાવજીભાઈ પટેલ, વીકી મનહરભાઈ પટેલ, પાર્થ રમેશભાઈ પટેલ તથા અજીત વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. મીતેષ પટેલે કરોડોનું ફુલેકું ફેરવ્યું હોવાની શક્યતા મુળ કાસોરનો પરંતુ હાલમાં આણંદના જુદા-જુદા વિસ્તારોમાં રહીને વિદેશ મોકલવાના બહાને આબાદ ઠગાઈ કરતાં મિતેષ પટેલે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાનું ખુલવા પામ્યું છે.

 

(6:04 am IST)