Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

આણંદ નવા બસ સ્ટેન્ડ પાસેથી રીઢો ચોર ઝડપાયો : બે ગુન્હા કબુલ્યા : ત્રણ મોબાઈલ - નવ કેમેરા જપ્ત

મૂળ રાજસ્થાની અને હાલમાં બોરસદનો વિજય રાઠીને 1,66 લાખના મુદામાલ સાથે પકડી લેવાયો

આણંદ: શહેર પોલીસે નવા બસસ્ટેન્ડ પાસેથી એક રીઢા ઘરફોડીયાને ઝડપી પાડીને બે ચોરીઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે.પોલીસે કુલ ૧.૬૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

   મળતી વિગતો મુજબ શહેરમાં પેટ્રોલીંગમાં રહેલી પોલીસને બાતમી મળી કે નવા બસસ્ટેન્ડ પાસે આવેલી વીણા મોબાઈલ શોપ પાસે એક શખ્સ ચોરીનો મોબાઈલ ફોન વેચવા માટે આવવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન એક મહેન્દ્ર ડ્યુરો ઉપર એક શકમંદ આવી ચઢતાં પોલીસે તેને અટકમાં લઈ ડીકીની તલાશી લેતાં અંદરથી ત્રણ મોબાઈલ તથા અલગ-અલગ કંપનીના નવ કેમેરા મળી આવ્યા હતા. જેથી આ બાબતે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો જેથી તેનું નામઠામ પુછતાં તે મુળ રાજસ્થાનનો પરંતુ હાલમાં બોરસદ ખાતે રહેતો વિજયકુમાર જયશંકરભાઈ રાઠી હોવાનું ખુલવા પામ્યું હતુ.

     તેને પોલીસ મથકે લાવીને આકરી પુછપરછ કરતાં પકડાયેલો મુદ્દામાલ ચોરીનો હોવાની કબુલાત કરી હતી.તેણે પોતાના સાથીદાર મુકેશ પ્રજાપતિ સાથે મળીને પંદર દિવસ પહેલા આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલી સ્માઈલ મોબાઈલ શોપના તાળા તોડીને ચોરી કરી હતી. ત્યારબાદ આણંદની લ-મી ચાર રસ્તા પાસે આવેલા દર્પણ સ્ટુડીયોના તાળા તોડીને જુદી-જુદી કંપનીઓના કુલ ૯ કેમેરા કે જેની કિંમત ૬૧ હજાર રૂપિયા જેટલી થવા જાય છે તેની પણ ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે તેની પાસેથી કુલ ૧.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. પોલીસના જણાવ્યા અનુસાર બન્ને શખ્સો રીઢા ઘરફોડીયાઓ છે અને અગાઉ સુરત, મહેસાણા સહિતના શહેરોમાં પણ ચોરીઓ કરી હોવાનું ખુલવા પામ્યું છે.

 

(6:07 am IST)