Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

અમદાવાદમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન આપવાનું બંધ કરવાની જાહેરાતને પગલે ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત કફોડી : આહનાના (AHNA) પ્રમુખ ભરત ગઢવી દ્વારા સરકારને ગમે તેમ કરીને ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને રેમડેસિવિર ઉપલબ્ધ કરાવવાની માંગ

અમદાવાદ: જીવલેણ કોરોના વાઈરસની સારવાર માટે રામબાણ મનતા “રેમડેસિવિર” ઈન્જેક્શનની માંગ ખૂબ જ વધી છે, ત્યારે AMC દ્વારા હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન આપવાનું બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત વધારે કફોડી બનતી જાય છે. એવા સમયે આહનાના (AHNA) પ્રમુખ ભરત ગઢવી દ્વારા સરકારને ગમે તેમ કરીને ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને રેમડેસિવિર ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વલણથી નારાજ આહનાના (AHNA) સેક્રેટરી ડૉ વિરેન શાહે ગઈકાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. હવે આહનાના પ્રમુખ ભરત ગઢવી દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું.

જેમાં ભરત ગઢવીએ જણાવ્યું કે, એ વાત ખોટી છે કે (AHNA) એવા દર્દીઓ માટે રેમડેસિવિરની માંગ કરે છે, જે હોમ ક્વોરોન્ટાઈન છે. AHNA એવા દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શન માંગી રહી છે, જેમને હોસ્પિટલમાં બેડ ના મળવાથી તેઓ ઘરે સારવાર લેવા મજબૂર થયા છે. સરકારે આવા દર્દીઓ માટે રેમડેસિવિર પૂરી પાડવી જોઈએ.

સત્તાધીશો વિશે ભરત ગઢવીએ જણાવ્યું કે, અમારે કંઈ રીતે પ્રેક્ટિસ કરવી, તે સત્તાધીશો અમને ના શીખવે. ક્યા દર્દીને ક્યારે રેમડેસિવિર આપવું? તે સરકાર ડૉક્ટર પર છોડે. અમે છેલ્લા દોઢ વર્ષથી કોરોના સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. આથી અમને અનુભવ છે કે, રેમડેસિવિર ક્યારે આપવું.

સરકાર અમને સમજાવવાનો પ્રયત્ન છોડીને રેમડેસિવિર અને ઑક્સિજન ઉપલબ્ધ કરાવવાનું કામ કરે. સરકાર ગમે તેમ કરીને ઘરે સારવાર લેતા લોકો માટે રેમડેસિવિર ઉપલબ્ધ કરાવે. આટલું જ નહીં, સરકારે ઑક્સિજન સપ્લાય માટે કોલ સેન્ટર ઉભુ કરવું જોઈએ. તેમજ સરકારના જવાબદાર અધિકારી 24/7 હજાર રહેવા જોઈએ. આ મહામારીને પહોંચી વળવા માટે ઑક્સિજન જરૂરી છે. જેથી એક કોલથી સિલિન્ડર પુરા પાડવામાં આવે એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.

(4:38 pm IST)