Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

પંચમહાલના શહેરામાં પણ કોરોના સંક્રમણને રોકવા માટે આજથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લૉકડાઉન : સવારથી જ શહેરામાં બસ સ્ટેશન વિસ્તાર, સિંધી ચોકડી, અણિયાદ ચોકડી, મેઇન બજાર, નાડા રોડ સહિતના વિસ્તારોમાં સ્વયંભૂ લૉકડાઉનની અસર : બજારો બંધ

પંચમહાલ: રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે લૉકડાઉનની માંગ ઉગ્ર બની છે. બીજી તરફ કેટલાક શહેર અને ગામડાઓએ જાતે જ કોરોના સંક્રમણને રોકવા માટે સ્વૈચ્છિક લૉકડાઉન લગાવી દીધુ છે. પંચમહાલના શહેરામાં પણ કોરોના સંક્રમણને રોકવા માટે આજથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે.

શહેરામાં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે વેપારીઓ અને તંત્ર સાથે મીટિંગ બાદ ત્રણ દિવસ સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. લૉકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે. શહેરામાં લૉકડાઉનનો સવારથી જ અમલ જોવા મળી રહ્યો છે.

શહેરામાં બસ સ્ટેશન વિસ્તાર, સિંધી ચોકડી, અણિયાદ ચોકડી, મેઇન બજાર, નાડા રોડ સહિતના વિસ્તારોમાં સ્વયંભૂ લૉકડાઉનની અસર જોવા મળી હતી અને બજારો બંધ જોવા મળ્યા હતા. લૉકડાઉન દરમિયાન જીવન જરૂરીયાતની વસ્તુઓ અને મેડિકલ સેવા ચાલુ રહેશે.

પંચમહાલ જિલ્લામાં કોરોનાની સ્થિતિ

પંચમહાલ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. પંચમહાલમાં એક દિવસમાં 135 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 49 દર્દીઓ સ્વસ્થ થતા તેમણે ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. પંચમહાલમાં 6358 દર્દીઓનું રસીકરણ પણ કરવામાં આવ્યુ હતું. પંચમહાલમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીને કારણે 1 વ્યક્તિનું મોત થયુ હતું.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 12,206 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીને કારણે વધુ 121 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

(4:02 pm IST)