Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ધો. ૧ના ૬ લાખ વિદ્યાર્થીઓ શાળાનું પગથીયુ ચડયા વગર જ ધો. ૨માં : RTE પ્રવેશ કામગીરી ખોરંભે

કારકિર્દીનો પ્રારંભ જ માસ પ્રમોશનથી : શિક્ષણ ક્ષેત્રનું ભાવિ ડામાડોળ

રાજકોટ તા. ૨૧ : રાજ્યમાં કોરોનાએ શિક્ષણનું ભવિષ્ય ડામાડોળ કરી નાખ્યું છે. ગયા ૨૦૨૦ના માર્ચથી પ્રાથમિક શાળાઓ બંધ છે. અત્યારે કોરોનાની બીજી લહેર ખતરનાક હોવાથી હાલ સરકારે શાળા - કોલેજોનું વર્ગ શિક્ષણ સંપૂર્ણ બંધ રખાયું છે. સામાન્ય વરસમાં હાલના સમયમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ ચાલતો હોય છે પણ હાલ કોરોનાના કારણે આ પ્રક્રિયા શરૂ જ થઇ શકી નથી.

આર.ટી.ઇ. હેઠળ ધો. ૧માં પ્રવેશ મેળવવા માટે કેટલાક પ્રમાણપત્રો જોડવા જરૂરી હોય છે. વાલીઓને પ્રમાણપત્ર મેળવવા સરકારી કચેરીએ એકઠા થાય તો સંક્રમણ વધવાની સંભાવના છે. સરકારી કર્મચારીઓ પણ કોરોનાની કામગીરીમાં વ્યસ્ત છે. પરિસ્થિતિ થાળે પડે પછી જ સરકાર પ્રવેશ માટે જાહેરાત આપવા માંગે છે.

ગયા વર્ષે રાજ્યમાં ૭૫ હજાર વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માન્યતા મળી હતી. સરકારી અને ખાનગી મળી કુલ ૬ લાખ વિદ્યાર્થીઓ ધો. ૧ માટે નોંધાયા હતા. સરકારે ધો. ૧ થી ૯ અને ૧૧માં માસ પ્રમોશન જાહેર કરી દીધું છે. ગયા વર્ષના ધો. ૧ના ૬ લાખ વિદ્યાર્થીઓ કદી શાળાનું પગથિયુ ચડયા વિના જ ધો. ૨માં આવી ગયા છે. હજુ વર્ગ શિક્ષણ કયારે શરૂ થઇ શકે તે નક્કી નથી.

(11:13 am IST)