Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોનાના કારણે સવારે પતિ અને સાંજે પત્નીનું મોત થયું

એક જ દિવસે પરિવારે બે સ્વજન ગુમાવ્યા : મૃતક દંપતીના પુત્ર-પુત્રવધુએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરીને કહ્યું ખૂબ સાવધાની વર્તવાની જરૂર છે

ગાંધીનગર,તા.૨૦ : કોરોના સંક્રમિતોની સંખ્યામાં એકાએક ખૂબ વધારો થયા બાદ હવે અનેક સંક્રમિતોના નિધનની ઘટનાઓ સામે આવી છે. ગાંધીનગર ખાતે રહેતા એક ગૃહસ્થ અને તેમના પત્ની બન્ને નું કોરોનાગ્રસ્ત થયા બાદ એક પછી એક થોડાક કલાકોના અંતરે મૃત્યુ થયાના અહેવાલ છેમૃતક દંપતીના પુત્ર અને પુત્રવધુએ પોતાના પરિવારના બબ્બે વડીલો થોડાક કલાકોમાં ગુમાવ્યા બાદ લોકોને બિનજરૂરી બહાર જવા તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે.

 ગાંધીનગરના સેકટર- બીમાં રહેતા અશોકભાઇ કેશવભાઈ પટેલ નામના ૬૫ વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારી સંક્રમિત થતાં ગાંધીનગર સિવિલ ખાતે સારવારમાટે એડમિટ હતા. જ્યારે  તેમના પત્ની રમીલાબહેન પણ સંક્રમિત થતા હોમ આઇસોલેટ હતા. ગઈકાલે સવારે અશોકભાઈનું સિવિલ ખાતે અવસાન થયું હતું અને તેના કેટલાક કલાકો બાદ તેમના પત્ની રમીલાબહેનનું પણ ઘરે અવસાન થતાં માત્ર થોડાક કલાકોના અંતરે એક જોડું નંદવાયું હતું તો ક્રૂર કોરોનાએ એક પરિવારના માથેથી બબ્બે મોભીઓને છીનવી લઇ મોટો વજઘાત આપ્યો હતો.

ઘટના બાદ મૃતક દંપતીના પુત્ર જીમિતકુમાર પટેલ અને પુત્રવધુ વિધિબહેન પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી છે અને ખૂબ સાવધાની વર્તવા કહ્યું છે. તેમણે કહ્યું હતું કે સ્ટ્રેઇનને હળવાશથી લેવાય એમ નથી. અમે અમારા બન્ને વડીલોને ગુમાવ્યા છે પરંતુ આપ સર્વેને અમારી પ્રાર્થના છે કે કૃપયા બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળો અને જો જવું પડે એમ હોય તો માસ્ક સતત નાક ઉપર પહેરી રાખવું તેમજ સોશિયલ ડિસ્ટન્સનું અચૂકપણે પાલન કરવામાં ભલાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે પોતાના સ્વજનોને ગુમાવ્યા બાદ શું થાય છે અમે તો અનુભવ્યું છે પરંતુ ઘટના નુ અન્યો ના પરિવારમાં પુનરાવર્તન ના થાયમાટે તેઓ તેમના અનુભવ જાહેરમા શેર કરવા આગળ આવ્યા છે.

(8:59 pm IST)