Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

એકથી વધુ ગુના ધરાવતા ઉમેદવાર ૧૩ બેઠક ઉપર

એડીઆરના રિપોર્ટમાં આંકડા જારી કરાયા : ગુજરાતની ૧૩ બેઠકોમાંથી ૭ બેઠકો પર કોંગ્રેસના અને ૩ બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે

અમદાવાદ,તા. ૨૧ : ગુજરાતમાં તા.૨૩મી એપ્રિલે લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં દેશની ૧૧૫ લોકસભાના ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે. ચૂંટણી પહેલા જાહેર થયેલા એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિપબ્લિક(એડીઆર)ના અહેવાલ અનુસાર, ગુજરાતની કુલ ૨૬ લોકસભા બેઠકો પૈકી ૧૩ બેઠકોના ઉમેદવારોએ પોતાના પર ક્રિમિનલ કેસ હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે. આ અહેવાલ મુજબ કેરળ બાદ ગુજરાત બીજું રાજ્ય છે, જ્યાં ૧૩ જેટલી બેઠકો પર ક્રિમિનલ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. એડીઆરના આ રિપોર્ટને લઇ ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. એડીઆરના અહેવાલમાં દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ૧૧૫માંથી ૬૩ બેઠકો એવી છે, જેમાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારો પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેનો સમાવેશ રેડ એલર્ટ બેઠકોમાં કરવામાં આવ્યો છે. આ ૬૩ બેઠકોમાંથી ૧૫ બેઠકો કરેળની છે જ્યારે ૧૩ બેઠકો ગુજરાતની છે. ગુજરાતની ૧૩ બેઠકોમાંથી ૭ બેઠકો પર કોંગ્રેસના અને ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. એડીઆરએ આ અહેવાલ ઉમેદવારની આર્થિક, ગુનાહિત, શૈક્ષણિક, લૈગિંક, વિગતોના આધારે તૈયાર કર્યા છે. ગુજરાતની ૨૬ બેઠકો પર ચૂંટણી લડી રહેલા ૩૭૧ ઉમેદવારો પૈકી ૫૮ ઉમેદવારોએ પોતાના પર ક્રિમિનલ કેસ હોવાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે આ ૫૮ પૈકી ૩૪ ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા હોવાનો ઉલ્લેખ છે. ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે કેસ નોંધાયો હોય તેવા ૫૮ ઉમેદવારોમાં ૧૦ કોંગ્રેસના જ્યારે ૪ ઉમેદવાર ભાજપના છે. આમ, એડીઆરના અહેવાલની વિગતોને લઇ હવે ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા ઉઠી છે.

(9:26 pm IST)