Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

સાડીનો છેડો બાઇકમાં ફસાઈ જતાં અક્સ્માત : પત્નિનું મોત

લાંભા રોડ પર બનેલી કમકમાટીભરી ઘટના : પાંચ માસના બાળકની સાથે નીચે પટકાતા પત્નિનું મોત

અમદાવાદ,તા. ૨૧ : શહેરના લાંભા રોડ પર બાઇક પર જઇ રહેલા એક દંપત્તિ તેમના પાંચ માસના બાળક સાથે અક્સ્માતે નીચે પટકાતાં માતાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતુ, જયારે આ અક્સ્માતમાં પાંચ માસના બાળક અને પિતાનો આબાદ બચાવ થયો હતો. બાઇક પર પાછળ બેઠેલી માતાની સાડીનો છેડો વ્હીલમાં આવી જવાના કારણે બાઇક સ્લીપ થઇ ગયું હતું અને આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઇ રહ્યું છે, તેથી બાઇકો પર જતા અને દુપટ્ટા કે સાડીના છેડા આ રીતે લબડતા રાખનારી યુવતીઓ કે મહિલાઓની સાથે સાથે વાહનચાલકો માટે પણ આ કિસ્સો ચેતવણીરૂપ છે. અકસ્માતના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા., માતાના મોતને પગલે સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

 આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વાસણા વિસ્તારમાં રહેતા પતિ-પત્ની આજે પોતાના પાંચ માસના બાળકને લઇ બાઇક પર લાંભા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન અચાનક બાઇક પર પાછળ બેઠેલી પત્નીની સાડીનો છેડો(પાલવ) અચાનક પાછલા વ્હીલમાં આવી જતાં બાઇક સ્લીપ થઇ ગયું અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. પતિ-પત્ની અને પાંચ માસનું માસૂમ બાળક એમ ત્રણેય જણાં જમીન પર પટકાયા હતા. ગંભીર ઇજાઓ થવાના કારણે ૨૨ વર્ષીય માતાનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. તો, આ અકસ્માતમાં પિતા અને પાંચ માસના બાળકનો અદ્ભુત બચાવ થયો હતો. જો કે, અક્સ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્ત પિતા અને પુત્રને સારવાર માટે નજીકની એલજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જો કે, માતાના મોતને લઇ સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે પણ જરૂરી તપાસ હાથ ધરી હતી.

(9:19 pm IST)