Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

ક્રિકેટની રમતનો ૮૦ ટકા સટ્ટો ઓનલાઇન રમાય છે

ઓનલાઇન સટ્ટાના કારણે પોલીસ નિષ્ક્રિય : બુકી અને સટ્ટો લગાવનારા લોકો પોલીસથી બચવા માટે ઘણી નવી યુક્તિઓ અજમાવે છે : પોલીસ ફ્લોપ પુરવાર

અમદાવાદ,તા.૨૦ : આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆતની સાથે સટ્ટાબજાર ગરમાતું હોય છે. બુકીઓ માટે આઇપીએલની મેચ તહેવારની જેમ હોય છે. બુકીઓ તેમજ ખેલીઓને રોકવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવતી હોય છે પરંતુ હવે ઓનલાઇન સટ્ટો રમાતો હોવાથી પોલીસ પણ લાચાર બની જાય છે. બુકીઓ મન મૂકીને ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યા છે. ક્રિકેટ મેચનો સટ્ટો ઓનલાઈન એપ્લિકેશન દ્વારા રમાડવામાં આવે છે. જેમાં મોટાભાગનું સંચાલન વિદેશથી થાય છે. એક અનુમાન મુજબ, અત્યારે ૮૦ ટકા જેટલો સટ્ટો ઓનલાઈન રમાય છે. કોઇપણ મેચ શરૂ થાય ત્યારે બુકી બોબડી લાઇન, તેમજ અન્ય તરકીબોથી ક્રિકેટ સટ્ટો રમાડતા હતા. જેમાં પોલીસને ધણી સફળતા મળી હતી. જોકેછેલ્લા બે ત્રણ વર્ષથી ઓનલાઇન સટ્ટો રમાતાં પોલીસને જોઇએ તેવી સફળતા મળતી નથી. બુકી તેમજ ખેલી પોલીસથી બચવા માટે ઓનલાઇન વેબસાઇટ તેમજ મેચની એપ્લિકેશન દ્વારા સટ્ટો રમી રહ્યા છે, જેના કારણે પોલીસનું દરોડાનું કામ ુમુશ્કેલ બન્યું છે. આઇપીએલ મેચમાં ક્રિકેટ સટ્ટામાં હાર-જીતના અસંખ્ય પ્રકાર છે. કઇ ટીમ જીતશે, કોણ કેટલો સ્કોર કરી શકશે, એક ઓવરમાં કેટલા રન થશે, કેટલા નો-બોલ, ડોટબોલ અને કેટલી વિકેટ પડશે તેના ભાવ અલગ અલગ હોય છે. કયો ખેલાડી કેટલા રન લેશે, ખેલાડીના શતક, અર્ધશતક, કયો ખેલાડી કેટલી ફોર-સિક્સર મારશે તે સહિત ૧૦૦થી વધુ પ્રકારે હાર-જીતનો જુગાર રમાડવામાં આવે છે. એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રમનારનું આઇડી કોઇ પણ હોય, ભાવ વિદેશની મંજૂરીવાળી બેટફેરના જ હોય છે. બુકીઓ સટ્ટાની એપનું ઓપરેટિંગ વિદેશની ધરતી પરથી કરે છે. આવી એપના સર્વર પણ વિદેશમાં જ છે. આઇડી કોઇ પણ બુકીની હોય, દરેક આઇડીમાં ભાવ સરખા જ ખૂલે છે અને એ દરેક હાર-જીતના ભાવ વિદેશમાં સરકારની માન્યતા ધરાવતા બેટફેરમાં જે ભાવ હોય એ ભાવ જ ફરે છે. આ માટે તમામ આઇડી બેટફેર સાથે લિન્કઅપ હોવાનું બુકી બજારનાં સૂત્રોએ જણાવ્યું હતું. મુખ્ય બુકીઓ પેટા બુકીઓને માસ્ટર આઇડી આપે છે. આ આઇડીમાં પેટા બુકીઓને તેની હાર-જીતની હેસિયત પ્રમાણે પાંચ લાખથી ૧૦-૨૦ કરોડ સુધીનું બેલેન્સ નાખી દેવામાં આવે છે. પેટા બુકીઓ તેના પંટરોને હાર-જીતની ક્ષમતા મુજબ ૧૦ હજારથી ૧ કરોડ સુધીની બેલેન્સ નાખી આપે છે. જેટલી રકમની એડવાન્સ ડિપોઝિટ આપે તેટલી જ રકમનું બેલેન્સ મળે છે, નિયમિત ચુકવણું કરી આપતા પેટા, બુકી પંટરને ડિપોઝિટથી બમણું, ત્રણ ગણું બેલેન્સ આપે છે અને વધુ વિશ્વસનીય હોય તો ડિપોઝિટ વિના બેલેન્સ અપાય છે. બુકી, પંટરને આઇડી સાથે પાસવર્ડ આપવામાં આવે છે. આ પાસવર્ડથી જ એપ એક્ટિવ થાય અને સોદા થઇ શકે. જેટલું બેલેન્સ હોય એ બેલેન્સ પૂરું થઇ જાય તો એપમાં સોદો પડી શકતો નથી.(પંટર જેટલી રકમ જીત્યો હોય એ બેલેન્સમાં ઉમેરાતી જાય છે). સામાન્ય રીતે ક્રિકેટ સટ્ટામાં મેચ પૂરો થયાના બીજા દિવસે સેટલિંગ(હાર-જીતની રકમની રોકડમાં લેતી દેતી) કરવામાં આવે છે પરંતુ આઇડી પર રમાતા સટ્ટામાં દર સોમવારે આખા અઠવાડિયાનું સેટલિંગ થાય છે. ઓન લાઇન ક્રિકેટ સટ્ટાની એપમાં રાજકોટના બુકીની ડાયમંડ, પ્લે ઇન વિન, હાલ દુબઇ સ્થાયી થયેલા બુકીની બ્રો ફોર બેટ, મલ્ટી( આ એપમાં ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ સહિત કોઇ પણ મેચ ઉપર સટ્ટો રમી શકાય છે), બઝર ૩૬૫, લોટસ, ફેન્સી બેટ, જમ્બો, બેટ ૩૬૫, ફ્લેક્સ બેટ, સુપર સ્ટાર, મારુતિ એકસ. ડિજિટલ ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા બીજા કોઇ પ્રયાસ કરે કે ન કરે પરંતુ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા મોટા બુકીઓએ સટ્ટા માટે આ સૂત્રને અપનાવી પોતપોતાની ખાસ એપ બનાવી લીધી છે., તેથી પોલીસે પણ હવે હાઇટેક બનવુ પડશે.

(7:59 pm IST)