Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સુરતના પૂર્વ શિક્ષણાધિકારી હિતેશ માખેચાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ઈચ્છામૃત્યુની માંગણી કરી

ફરજ દરમિયાન અનેક ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા:તમામ આરોપો ખોટા હોવાનું કથન

સુરત :સુરતમાં પૂર્વ શિક્ષણાધિકારી હિતેશ માખેચાએ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને પત્ર લખીને ઇચ્છામૃત્યુની માગણી કરી છે.

   મળતી માહિતી પ્રમાણે હિતેશ માખેચા નામના આધેડ સુરતમાં પરિવાર સાથે રહે છે. તેઓ ગુજરાત સરકારમાં શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા હતા. જોકે, ફરજ દરમિયાન તેમના ઉપર અનેક ભ્રષ્ટાચારના આરોપ લાગવામાં આવ્યા હતા. જોકે. હિતેશ માખેચાના જણાવ્યા પ્રમાણે તેમના ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રી રૂપાણી પાસે તપાસની રજૂઆત કરી છે. આ ઉપરાંત તેમણે સીએમને લખેલા પત્રમાં ઇચ્છામૃત્યુની પણ માંગણી કરી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રહેતા દિનેશ મૈસુરિયાએ ડિસેમ્બર 2017માં પોતાના દીકરા પાર્થને ઇચ્છામૃત્યુ માટે પરવાનગી માગતો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો હતો. બાર વર્ષનો પાર્થ સબએક્યુટ સ્ક્લેરોસિંગ પેનેસિફાલાઇટિસ (એસએસપીઈ)થી પીડાઈ રહ્યો છે. જે એક મગજને લગતી અસાધ્ય બીમારી છે. તેમાં સતત આવતી આંચકીને કારણે દર્દી તેની હલનચલન પરનું નિયંત્રણ ગુમાવી દે છે. દિનેશ મૈસુરિયા કહે છે, "એક સમયે ધિંગામસ્તી કરતો પાર્થ ખૂબ સરસ ડાન્સ કરી શકતો. જેને ધ્યાનમાં રાખીને એક લાચાર પિતાએ પોતાના વ્હાલસોયા પુત્ર માટે વડાપ્રધાન સમક્ષ પત્ર લખી ઇચ્છામૃત્યુ માંગ્યું હતું.

  આ ઉપરાંત રાજ્યના પુરવઠા તંત્ર દ્વારા સોફ્ટવેરમાં દર છ મહિને કરાતા ફેરફારના કારણે રાજકોટના સસ્તા અનાજના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે અને છેલ્લા પાંચ વર્ષથી ચાલતી આ સમસ્યાના વિરોધમાં રાજકોટ શહેરના સસ્તા અનાજના વેપારીઓ કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા. જેમાં 245 વેપારીઓએ પ્રશ્નનું નિવારણ ન આવે તો ઇચ્છા મૃત્યુ આપવાની માગણી કરી છે.

(9:15 pm IST)