Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ફેસબુક પર દેશના સૌથી વધુ લોકપ્રિય તથા સફળ તેવા ૩ મુખ્યમંત્રીઓમાં સ્થાન મેળવતા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી

ફેસબુક ડેટા મુજબ ૧ જાન્યુઆરી ૨૦૧૭થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન પ્રથમ ક્રમે યુ.પી.ના શ્રી યોગી આદિત્યનાથ, બીજા ક્રમે રાજસ્થાનના શ્રીમતી વસુંધરા રાજે તથા ત્રીજા ક્રમે ઊભરી આવતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વતની તરીકે તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇએ પણ ગુજરાતને કેન્દ્રમાં મોટા ગજાના નેતાઓ આપનાર પ્રાંત તરીકે પ્રસિદ્ધિ અપાવી છે. તેમાં હવે શિરમોર સમાન એક મોરપિચ્છ ઉમેરાયું છે. જે મુજબ ગુજરાતના ચિફ મિનીસ્ટર વિજયભાઇ રૂપાણીએ ફેસબુક પર ભારતના શ્રેષ્ઠ ચિફ મિનીસ્ટરોમાં ત્રીજા ક્રમનું સ્થાન હાંસલ કર્યું છે.

ઓલ ઇન્ડિયા ફેસબુક ડેટા સર્વે મુજબ ૧ જાન્યુઆરી ૨૦૧૭થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ના વર્ષ દરમિયાન ફેસબુક ઉપર વાંચકોના ભાવો તથા પ્રતિભાવો સહિત તમામ બાબતોને ધ્યાને લેતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથએ પ્રથમ, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતિ વસુંધરા રાજેએ દ્વિતીય તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ત્રીજુ સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ઉલ્લેખનીય છે કે ફેસબુક પેઇજ ઉપર દર્શકોની પ્રશંસા ઉપરાંત ટીકા ટિપ્પણોનો પણ સમાવેશ થઇ જતો હોય છે. આ બધા વચ્ચે પ્રથમ ત્રણમાં સ્થાન મેળવનાર વિજયભાઇ માટે સમગ્ર ગુજરાતની પ્રજા ગૌરવ અનુભવે છે.

(7:00 pm IST)