Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

તારાપુરના મોરજ વિસ્તારમાં આવેલ દરગાહમાંથી દાનપેટીનું તાળું તોડી ચોરી કરનાર શખ્સને ક્ષણવારમાં પકડી લેવાયો

તારાપુર:તાલુકાના મોરજ ગામે આવેલ દરગાહમાંથી રાત્રીના સમયે દાન પેટીનું તાળુ તોડી દાનની રકમ સેરવી જનાર ગઠીયો દરગાહમાં મૂકાયેલા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ જતા તેને ગામલોકોએ ઓળખી બતાવ્યો હતો. જેને તારાપુર પોલીસે ગણતરીના કલાકમાં ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

 

મોરજ ગામે આવેલ હઝરત મુલ્લાશાહ બાવાની દરગાહમાંં ગત રાત્રીનાં એક શખ્સે પ્રવેશ કર્યો હતો. તેણે દરગાહ પરિસરમાં અંદર મૂકેલ દાન પેટીના તાળાને એક્ષો બ્લેડથી કાપીને દાન પેટીમાં છેલ્લાં એકાદ સપ્તાહથી આવેલ દાનની રકમ સેરવી લીધી હતી અને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારે દરગાહ ખાતે આવેલા શ્રદ્ઘાળુઓ વેર વિખેર સામાન જોઈ દરગાહના ટ્રસ્ટી અને ગ્રામજનોને જણાવ્યું હતું. જેથી ગામના અગ્રણ્ય જહીરમીયાં શેખા અને આસિફમીયાં કાજીએ પરીસરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં. જેમાં દેખાયેલ વ્યક્તિ પેટલાદનો રહેવાસી હોવાનું અને તે ચોર શખ્સ આરીફસા દિવાન ઉર્ફે ચુવો હોવાનું ખુલ્યું હતું.
ગ્રામજનોએ ગણતરીના કલાકોમાં ચોરને ઓળખી બતાવ્યો હતો અને તેની પાકી ઓળખ તારાપુર પોલીસને આપી હતી. આ અંગે તારાપુર પોલીસે તેને પેટલાદથી ઝડપી પાડી તારાપુર પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું હતું. જોકે આ અગાઉ પણ આ દરગાહમાં દાન પેટી તૂટવા પામી હતી. આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે, દરગાહની દાન પેટીમાં અંદાજે ૧૦ થી ૧૨ હજારની રોકડ ચોરી થયાનો અંદાજ છે. આ અંગે પકડાયેલ શખ્સે અન્ય કોઈ ચોરી કરી છે તે અંગે વધુ તપાસ હાથ ધરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(6:08 pm IST)