Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

મહેસાણામાં વહેલી સવારે ચાલવા નીકળેલ યુવકના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી ગઠિયા રફુચક્કર

મહેસાણા:ના જેલ રોડ પર શુક્રવાર વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલ યુવકના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી બાઈક પર ભાગવા જતા યુવકનો પીછો કરી ઝડપી લેવાયો હતો. ત્યારે હાજર લોકોના ટોળાએ આરોપી યુવકને મેથીપાક ચખાડતા સિવિલમાં સારવારઅર્થે ખસેડાયો હતો. આ મામલે આરોપી સામે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મહેસાણાની જવાહર સોસાયટીમાં રહેતા મયુરભાઈ ગોવિંદભાઈ ચૌધરી શુક્રવાર સવારે જેલરોડ પર મોર્નિંગ વોક પર નીકળ્યા હતા ત્યારે વહેલી સવારે જેલ રોડ પર બેન્ક ઓફ ઈન્ડિયા આગળ તેમની પાછળ બાઈક પર આવેલ શખ્સે તેમના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી હતી ત્યારે બાઈક સવાર ભાગવા જતા મયુરભાઈ ચૌધરીએ તેનો પીછો કરી આરોપી બાઈક ચાલક નીરવ પ્રવિણભાઈ વાઘેલા, રહે. કસ્બા, મહેસાણાવાળો નીચે  બાઈક સાથે પટકાતા મયુરભાઈ ચૌધરી અને લોકોએ તેને ઝડપ્યો હતો.

ત્યારે લોકોએ તેને મેથીપાક ચખાડયો હતો. જોકે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ યુવકનો કબજો લઈ સિવિલમાં સારવારઅર્થે ખસેડાયો હતો. આ મામલે મયુરભાઈ ચૌધરીએ આરોપી સામે શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

(6:06 pm IST)