Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

પાવાગઢ શિવરાજપુર વચ્ચે ધનકુવા પુલ ઉપર ડમ્પર અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે ના મોત:એક ગંભીર

ડમ્પર ચાલક ભાગી છૂટ્યો : ટ્રેકટરના અનેક ટુકડા થઇ રોડ પર વીખરી પડયા

 

 હાલોલ તાલુકાના પાવાગઢ શિવરાજપુર વચ્ચે ધનકુવા પુલ ઉપર આજે વહેલી સવારે ડમ્પર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. જયારે એકનું વડોદરા એસએસજી ખાતે સારવાર દરમિયાન મોત થયુ હતું. જયારે અન્ય એકની હાલત ગંભીર હોવાથી હાલ વડોદરા એસએસજી ખાતે સારવારમાં છે ડમ્પર અને ટ્રેકટર અકસ્માત બાદ ટ્રેકટરના અનેક ટુકડા થઇ ગયા હતા. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર મુકી ભાગી છૂટયો હતો   પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  મળતી વિગત મુજબ વહેલી સવારે હાલોલ તરફથી બોડેલી તરફ કપચી ભરેલ ડમ્પર જઇ રહ્યુ હતું. જયારે ટ્રેકટર બોડેલી તરફથી હાલોલ તરફ આવતુ હતું. દરમિયાન પાવાગઢ શિવરાજપુર વચ્ચે ધનકુવા પુલ પર ભિક્ષુક જેવા રાહદારીને બચાવવા જતા ડમ્પર ચાલકે ગફલતભર્યું ડમ્પર હંકારી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેકટર સાથે ધડાકાભેર અથડાયુ હતું. અકસ્માત એટલો ભયંકર થયો હતો કે, ટ્રેકટરના ફુરચા બોલી ગયા હતા અને ટ્રેકટરના અનેક ટુકડા થઇ રોડ પર વીખરી પડયા હતા. ટ્રેકટર પર સવાર નરેશ શનાભાઇ નાયક રહે. ગોવિંદપુરા તા. બોડેલીનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે ટ્રેકટર ચાલક અશોક કનુભાઇ રાઠવા રહે. વસાહત તા. બોડેલી તથા એક અજાણ્યો ભીક્ષુક જેવો રાહદારીને ગંભીર ઇજાઓ પામતા બંનેને પ્રાથમિક સારવાર હાલોલ રેફરલ ખાતે આપી વધુ સારવાર માટે આજે વડોદરા એસએસજી ખાતે રીફર કરતા ટ્રેકટર ચાલક અશોક કનુભાઇ રાઠવાનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.

   અકસ્માત સર્જતા ડમ્પર પણ પલટી ખાઇ જતા તેનો ચાલક ડમ્પર મુકી ભાગી છૂટયો હતો. બનાવને પગલે રાહદારીઓ મોટી સંખ્યામાં એકત્રીત થયા હતા. બનાવને પગલે પાવાગઢ- શિવરાજપુરનો વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. બનાવ અંગે પાવાગઢ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી થટેલ ટ્રાફિકને દુર કરી રોડને રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો હતો.

(1:29 am IST)